ભુજ રેલવે સ્ટેશન પર નજીવી બાબતે પરપ્રાંતીય યુવકની હત્યાના કેસમાં જેલમાં મોકલાયેલા આરોપી દ્વારા પાલારા જેલમાં પણ કેદી પર હુમલો કરાતા ચકચાર મચી છે. જેલની સર્કલ-1ની બેરેક નંબર 11માં બનેલી આ ઘટનામાં અબ્બાસ ઈસ્માઈલ સમા નામના પાકા કામના કેદીને માથા સહિત શરીરના ભાગે ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.પ્રાથમિક વિગતો મુજબ, અબ્બાસ ઈસ્માઈલ સમા બેરેકમાં સૂતા હતા ત્યારે આરોપી દીપાન્શુ ચેતન વિશ્વકર્ર્મા બાથરૂૂમ તરફ ગયો હતો. ત્યાંથી પથ્થર લઈ આવી તેણે અબ્બાસ પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. હુમલામાં માથાના ભાગે ઈજા થતાં જેલ સ્ટાફ દ્વારા તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલ ઇજાગ્રસ્ત કેદીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.આ બનાવની જાણ થતાં ભુજ બી-ડિવિઝન પોલીસે તપાસ શરૂૂ કરી છે.
તપાસ અધિકારી એસ.એસ. પટેલે ઘટનાને સમર્થન આપતાં જણાવ્યું હતું કે જાણવાજોગ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી અને ઇજાગ્રસ્ત કેદીના નિવેદન બાદ ઘટનાની સંપૂર્ણ હકીકત વધુ સ્પષ્ટ થશે. પ્રાથમિક તપાસમાં જેલમાં થતી અવ્યવસ્થાને લઈને ઉશ્કેરાઈને હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે.ઉલ્લેખનીય છે કે દીપાન્શુ થોડા દિવસો અગાઉ ભુજ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર બનેલી હત્યાના ગુનામાં ઝડપાયો હતો. સુરત જતી ટ્રેન અંગે સામાન્ય પૂછપરછ દરમિયાન થયેલી બોલાચાલી બાદ તેણે બિહારના મુકેશ ચંદ્રિકા સહની પર લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો.
ગંભીર ઈજાઓના પગલે યુવકનું મોત થયું હતું. આ ઘટનામાં રેલવે પોલીસે ગુનો નોંધી દીપાન્શુની ધરપકડ કરી હતી અને બાદમાં તેને પાલારા જેલમાં મોકલવામાં આવ્યો હતો.રેલવે પોલીસની તપાસમાં આરોપી સામે અગાઉ પણ મારામારી સહિતના ત્રણ ગુના નોંધાયેલા હોવાનું જણાવાયું છે. નજીવી બાબતોમાં ઉગ્ર પ્રતિક્રિયા આપવાના આરોપી પરના અગાઉના કેસોને પણ તપાસના દાયરામાં લેવામાં આવ્યા છે.એક તરફ રેલવે સ્ટેશન પર થયેલી હત્યાની તપાસ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ જેલ જેવા સુરક્ષિત પરિસરમાં કેદી પર હુમલાની ઘટના સામે આવતાં પોલીસ અને જેલ તંત્ર માટે પણ મામલો ગંભીર બન્યો છે. બંને ઘટનાઓને ધ્યાનમાં રાખીને આરોપીના અગાઉના ગુનાહિત રેકોર્ડ સહિત સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
