બોટાદ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને ખનીજ વહનની પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે કામગીરી કરતી સરકારી એજન્સીઓના અધિકારીઓની રેકી કરી તેમની હિલચાલની માહિતી ખનીજ માફિયાઓ સુધી પહોંચાડવાના કથિત નેટવર્કનો પર્દાફાશ થયો છે. ખાણ-ખનીજ વિભાગ, મામલતદાર, પ્રાંત અધિકારી, આરટીઓ તથા પોલીસની ગતિવિધિઓ પર નજર રાખી વાહનોના નંબર, લોકેશન અને ફોટોગ્રાફ્સ વોટ્સએપ ગ્રુપ મારફતે શેર કરવામાં આવતા હોવાની વિગતો સામે આવી છે.
મળતી માહિતી મુજબ, ખનીજ ચોરી અટકાવવા માટે ચેકિંગમાં નીકળતા અધિકારીઓની હિલચાલની માહિતી પહોંચાડવા માટે અલગ-અલગ વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યા હતા. જેમાં ‘રામાધણી’, “Limdi Live’, “Jay Mogal Ma’ અને ‘માં સોનલ માં’ જેવા ગ્રુપનો સમાવેશ થાય છે. આ ગ્રુપમાં સભ્યો પાસેથી દર મહિને રૂૂ.1,000થી રૂૂ.1,500 સુધીની રકમ વસૂલવામાં આવતી હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે.સરકારી અધિકારીઓની કામગીરીથી બચવા માટે અન્ય વ્યક્તિઓના આધારકાર્ડનો ઉપયોગ કરી ખોટા નામે સિમકાર્ડ એક્ટિવેટ કરાવવામાં આવતા હોવાનો પણ આક્ષેપ છે. આ સિમકાર્ડ મારફતે વોટ્સએપ ગ્રુપ બનાવી અધિકારીઓના વાહનો કઈ દિશામાં જઈ રહ્યા છે તેની માહિતી વોઈસ મેસેજ તેમજ લાઈવ લોકેશન દ્વારા ગ્રુપના સભ્યો અને ખનીજ ચોરી સાથે સંકળાયેલા લોકોને પહોંચાડવામાં આવતી હોવાની માહિતી સામે આવી છે.
આ મામલે ઉમેશ ભાથાભાઈ જોગરાણા, અજયભાઈ ભગાભાઈ રાઠોડ, વિજય ભગજીભાઈ રાઠોડ, દીપકભાઈ બારૈયા, રઘુભાઈ રૂૂડાભાઈ ખાંભલીયા ઉર્ફે રઘુ પીંડાર અને અમન મનુભાઈ ભુરાણી સામે બોટાદ ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસ દ્વારા આરોપી ઉમેશ જોગરાણાનો મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાંથી વિવિધ વોટ્સએપ ગ્રુપ તથા અધિકારીઓની હિલચાલને લગતી માહિતી મળી આવી હોવાનું જાણવા મળે છે. ઉપરાંત હીરો સ્પ્લેન્ડર બાઈક, એક્ટિવા સ્કૂટર નંબર GJ-33-M-1139, હીરો સ્પ્લેન્ડર બાઈક નંબર GJ-33-N-7360 તથા GJ-33-H-6479 સહિતના વાહનો અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.આ સમગ્ર મામલે મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની કચેરીના માઈન્સ સુપરવાઈઝર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા બોટાદ ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે.
પોલીસે શંકાસ્પદ વાહનો અને મોબાઈલ ફોન કબજે લઈ આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય ઈસમો તેમજ વોટ્સએપ ગ્રુપના એડમિનો અંગે તપાસ હાથ ધરી છે.ખનીજ ચોરી રોકવા માટે કામગીરી કરતા સરકારી અધિકારીઓની હિલચાલની માહિતી અગાઉથી ખનીજ માફિયાઓ સુધી પહોંચાડવામાં આવતી હોવાની વિગતો સામે આવતા સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો છે. પોલીસ દ્વારા હવે આ વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા અન્ય સભ્યો અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોની ભૂમિકા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
