‘ગુજસીટોક’માં જેલમાંથી છૂટેલી મુર્ગા ગેંગે રિક્ષાચાલકને રહેંસી નાખ્યો

રાજકોટ શહેરમાં ભક્તિનગર વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. કુખ્યાત મુર્ગા ગેંગના ત્રણ સભ્યોએ રીક્ષા ચાલકની સામુ જોવા જેવી બાબતે પાઇપના ઘા મારી…

રાજકોટ શહેરમાં ભક્તિનગર વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. કુખ્યાત મુર્ગા ગેંગના ત્રણ સભ્યોએ રીક્ષા ચાલકની સામુ જોવા જેવી બાબતે પાઇપના ઘા મારી અને ઢીકા પાટુનો માર મારી હત્યા નીપજાવી છે. આરોપીઓ છેલ્લા 15 દિવસ પહેલા જ જેલમાંથી છુટયા હતા અને હત્યાને અંજામ આપ્યો હોવાનું હાલ પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

પોલીસે ત્રણેયને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે. આ ઘટનામાં મૃતકોના પરિવાર દ્વારા આરોપીઓ મુર્ગા ગેંગના હોવાનો આક્ષેપ કર્યો છે. જો કે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ, રાજકોટની ન્યુ સાગર સોસાયટીમાં રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગ કરતા સોહિલભાઈ ઈકબાલભાઈ લોધી પઠાણે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના 56 વર્ષીય પિતા ઈકબાલભાઈ ઉર્ફે જુનાગઢી રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. બનાવની આગલી રાત્રે સવા નવેક વાગ્યાના અરસામાં ઈકબાલભાઈને જંગલેશ્વરમાં રહેતા દાનિશ અમીનભાઈ નામના શખ્સ સાથે સામુ જોવા બાબતે બોલાચાલી થઈ હતી.

આ બોલાચાલીનો ખાર રાખીને મોડી રાત્રે આશરે એકાદ વાગ્યાના સુમારે જ્યારે ઈકબાલભાઈ ખ્વાજા એપાર્ટમેન્ટ નીચે નિસ્બત પાન પાસે બેઠા હતા, ત્યારે દાનિશ અમીનભાઈ, સુફિયાન હનીફભાઈ આરબ અને રિયાઝ નામના ત્રણેય શખ્સો સમાન ઈરાદા સાથે ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યાં આવીને દાનિશે ગાળો આપી પોતાના હાથમાં રહેલા લોખંડના પાઈપ વડે ઈકબાલભાઈના છાતીના ભાગે ડાબી બાજુ જોરદાર ઘા મારી દીધો હતો. ત્યારબાદ રિયાઝ અને સુફિયાને પણ એ જ લોખંડના પાઈપ વડે શરીરે તથા ખભાના ભાગે આડેધડ માર માર્યો હતો. પાઈપના ફટકા વાગવાથી ઈકબાલભાઈ જમીન પર ઢળી પડ્યા બાદ પણ આ ત્રણેય હુમલાખોરોએ તેમને પગ વડે પાટા તથા ઢીકાપાટુનો માર માર્યો હતો, જેના કારણે તેઓ સ્થળ પર જ બેભાન થઈ ગયા હતા. બનાવ અંગેની જાણ થતાં મૃતકના પુત્ર સોહિલ અને તેના મિત્રો તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા અને બેભાન હાલતમાં ઈકબાલભાઈને રિક્ષામાં બેસાડી ઢેબર રોડ પર આવેલી મધુરમ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

ત્યાં પ્રાથમિક તપાસ બાદ ડોક્ટરે ધબકારા બંધ હોવાનું જણાવી તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવા સુચના આપી હતી. જેથી પરિજનો તેમને સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસીને ઈકબાલભાઈને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે સોહિલભાઈ પઠાણની ફરિયાદના આધારે ભક્તિનગર પોલીસે આરોપી દાનિશ અમીનભાઈ, સુફિયાન હનીફભાઈ આરબ અને રિયાઝ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 103(1), 115(2), 3(5), 223 તેમજ જી.પી. એક્ટ કલમ 135 હેઠળ ગુનો દાખલ કર્યો છે.

પોલીસ કમિશનરના હથિયાર બંધી જાહેરનામાના ભંગ સાથે આચરાયેલા આ ઘાતક ગુનામાં સામેલ ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ ઈન્સ્પેક્ટર જે.ડી. પરમાર અને રાઇટર નિલેશભાઈ મકવાણાએ આગળની તપાસ હાથ ધરી છે. રાજકોટમાં આધેડની હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓ દાનિશ અમીનભાઈ, સુફિયાન હનીફભાઈ આરબ અને રિયાઝ ગુજસીટોક જેવા ગંભીર કાયદા હેઠળ જેલમાં બંધ ’મુર્ગા ગેંગ’ના સાગરીતો હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું છે. રાજકોટમાં દહેશત ફેલાવતી આ કુખ્યાત ગેંગના આ ત્રણેય આરોપીઓ માત્ર 15 દિવસ પહેલા જ જેલમાંથી જામીન પર મુક્ત થઈને બહાર આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *