7 વર્ષની માસૂમ બાળકી પર કૌટુંબિક કાકાનું દુષ્કર્મ

મજૂર પરિવારની દીકરી ઘરે એકલી હોવાનો લાભ ઉઠાવી નજીકના સંબંધીએ જ મોં કાળુ કર્યુ શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી અત્યંત ધૃણાસ્પદ અને હૃદયદ્રાવક ઘટના…

મજૂર પરિવારની દીકરી ઘરે એકલી હોવાનો લાભ ઉઠાવી નજીકના સંબંધીએ જ મોં કાળુ કર્યુ

શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી અત્યંત ધૃણાસ્પદ અને હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં મૂળ બિહારના વતની અને સ્થાનિક કારખાનામાં મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા એક પરિવારની સાત વર્ષની માસૂમ બાળકી પર તેના જ નજીકના કૌટુંબિક કાકાએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. બનાવ અંગે બાળકીના પરિવારજનો દ્વારા શાપર વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા જ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ગુનો નોંધ્યો છે અને નરાધમ આરોપીને પોતાના સકંજામાં લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અને મળતી વિગતો અનુસાર, પીડિત બાળકીનો પરિવાર શાપર વિસ્તારમાં રહીને સ્થાનિક કંપનીમાં મજૂરી કામ કરી પોતાનું પેટિયું રળે છે. ગઈકાલે બપોરના સમયે બાળકીના માતા-પિતા સહિત પરિવારના અન્ય સભ્યો રોજિંદા કામ અર્થે ઘર બહાર ગયા હતા, જેના કારણે સાત વર્ષની બાળકી ઘરે એકલી હતી. બાળકી ઘરે એકલી હોવાની જાણ નજીકમાં જ રહેતા અને મૂળ બિહારના વતની એવા પરિવારના દૂરના સગાને થઈ ગઈ હતી. માસૂમની આ એકલતાનો ગેરલાભ ઉઠાવીને આ વિકૃત શખસ તેના ઘરમાં ધસી આવ્યો હતો અને બાળકીની એકલતાનો લાભ લઈને તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

સાંજના સમયે જ્યારે બાળકીના માતા-પિતા પોતાના કામેથી પરત ઘરે ફર્યા ત્યારે તેમની સાત વર્ષની પુત્રી અત્યંત ડરેલી અને ગુમસૂમ હાલતમાં જોવા મળી હતી. પોતાની વહાલી દીકરીના વર્તનમાં અચાનક આવેલું આ પરિવર્તન જોઈ માતા-પિતાને તેની સાથે કશુંક અજુગતું બન્યું હોવાની શંકા ગઈ હતી. તેમણે અત્યંત પ્રેમથી અને ધીરજપૂર્વક બાળકીની પૂછપરછ કરી ત્યારે આ નાનકડી માસૂમે પોતાની સાથે ઘટેલી સમગ્ર ધૃણાસ્પદ આપવીતી માતા-પિતા સમક્ષ રજૂ કરી હતી. દીકરીના મોઢેથી આ ભયાનક સત્ય સાંભળીને માતા-પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

બનાવની ગંભીરતા સમજીને પરિવારજનો સહેજ પણ વિલંબ કર્યા વગર તુરંત જ શાપર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને બનાવ અંગે વિગતવાર માહિતી આપી ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની સંવેદનશીલતા ધ્યાને રાખીને શાપર પોલીસ મથકના પીઆઇ આર.બી. રાણાની સીધી રાહબરી હેઠળ એક ટીમની રચના કરવામાં આવી હતી. પોલીસે ત્વરિત કાયદાકીય કાર્યવાહી કરીને આરોપી વિરુદ્ધ દુષ્કર્મ તેમજ પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને પોતાના સકંજામાં લઈ લીધો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે સાત વર્ષની માસૂમ બાળકી સાથે આ પ્રકારનું હીન અને અમાનવીય કૃત્ય આચરનાર આરોપી પોતે પણ પરિણિત છે અને બે-બે સંતાનોનો પિતા છે. પોતાની જ નાત-જાતના અને નજીકના સગાની દીકરી સાથે આવી હેવાનીયત આચરનાર નરાધમના આ વિકૃત કૃત્ય સામે સમગ્ર શાપર વિસ્તારમાં ફિટકારની લાગણી વરસી રહી છે. હાલ પોલીસ દ્વારા આરોપી સામે કાયદાકીય ધોરણસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પીડિત બાળકીને ઝનાનામાં ખસેડાઇ
શાપર-વેરાવળમાં સાત વર્ષની માસુમ બાળકીને તેમના નજીકના સંબંધીએ હવસનો શિકાર બનાવી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધવામાં આવી છે. આ ઘટનામાં પોલીસે ગુનો નોંધી આરોપીને શંકાજામાં લઇ પૂછપરછ શરૂ કરી છે. ત્યારે આ ઘટનાથી માસુમ બાળકી ડરી ગઇ હતી અને હાલ ગુમસુમ રહેતા તેમને તાત્કાલીક સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તેમજ તેમનું મેડિકલ કરાવવા તજવીજ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *