વડોદરાની સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. પોસ્ટમોર્ટમ પૂરું થયા બાદ મૃતદેહ પેક કરવા બદલ પરિવાર પાસે ₹1,500 માંગવામાં આવ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. હોસ્પિટલ તંત્રે વીડિયો હોસ્પિટલનો જ હોવાનું સ્વીકાર્યું છે અને સંબંધિત કોન્ટ્રાક્ટ કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ કર્યો છે.પ્રાથમિક વિગતો અનુસાર બોડેલીના એક પરિવારના સભ્યનું અવસાન થતાં મૃતદેહ કાયદેસરની પ્રક્રિયા માટે એસએસજીના પોસ્ટમોર્ટમ રૂૂમમાં લાવવામાં આવ્યો હતો.
સરકારી પ્રક્રિયા પૂરી થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવાનો હોય છે. પણ પેકિંગ કરીને બોડેલી લઈ જવા માટે ફરજ પરના કર્મચારીએ પરિવાર પાસે ₹1,500 માંગ્યા હોવાનો દાવો છે. સ્વજનને વહેલું ઘરે લઈ જવા મજબૂર પરિવારે રકમ ચૂકવીને મૃતદેહ મેળવ્યો. પૈસા આપ્યા બાદ જ પેકિંગ શરૂૂ થયું હોવાનું કહેવાય છે. આ દ્રશ્ય હોસ્પિટલ પરિસરમાં જ મોબાઈલથી રેકોર્ડ થયું હતું.
હોસ્પિટલના અધિક્ષક ડો. રંજન અય્યરે કહ્યું કે વાઇરલ વીડિયો એસએસજી હોસ્પિટલનો જ છે અને પૈસા લેનાર વ્યક્તિ કોન્ટ્રાક્ટ ધોરણે કામ કરતો કર્મચારી છે. નાણાં ઉઘરાવનાર જગદીશ પરમારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને હોસ્પિટલમાંથી છૂટો કરવામાં આવ્યો છે.
તંત્રે કહ્યું છે કે દર્દીઓના સ્વજનો સાથે આવું વર્તન અને ભ્રષ્ટાચાર સહન કરવામાં આવશે નહીં.સમગ્ર ઘટનાની તપાસ માટે વિશેષ કમિટી બનાવવામાં આવી છે. કમિટી આરએમઓ ડો. હિતેન્દ્ર ચૌહાણની અધ્યક્ષતામાં કામ કરશે અને રિપોર્ટ તૈયાર કરશે.
તપાસમાં અન્ય કર્મચારી કે અધિકારીની સંડોવણી છે કે નહીં તેની પણ ચકાસણી થશે. સરકારી હોસ્પિટલમાં સેવા મફત હોવાના દાવા વચ્ચે મૃતદેહ પેકિંગ માટે પૈસા વસૂલવાનો આ કિસ્સો ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. અંતિમ તારણ તપાસ પછી આવશે.
