રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં રોજેરોજ નવા દાવપેચ જોવા મળી રહ્યા છે. રા.લો.સંઘની ચૂંટણીનો વિવાદ હજૂ સમ્યો નથી ત્યાં રાજકોટ જિલ્લા સહકારી સંઘના આગામી અઢી વર્ષ માટે પ્રમુખ-ઉપપ્રમુખની આજે યોજાયેલ ચૂંટણીમાં એક પણ સભ્ય હાજર નહીં રહેતા ચૂંટણી મુલતવી રહી હતી. નાયબ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રમુખ-ઉપપ્રમુખની આજે ચૂંટણી યોજાઇ હતી પરંતુ રાજકોટના સહકારી ક્ષેત્રમાં પ્રથમ વખત એક પણ સભ્ય હાજર નહીં રહેતા ચૂંટણી મુલતવી રહી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ, ચૂંટણીનું એજન્ડા જાહેર થયા બાદ જિલ્લા ભાજપ દ્વારા વહેલી તકે પ્રદેશ કક્ષાએ જાણ કરવાની અપેક્ષા હતી. જોકે, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા દ્વારા પ્રદેશ કક્ષાએ ચૂંટણી અંગેની જાણ મોડેથી કરવામાં આવી હોવાની ચર્ચા છે. પ્રદેશને કરવામાં આવેલી રજૂઆતમાં હાલ રાજકોટ જિલ્લા સહકારી સંઘના પ્રમુખ તરીકે દિનેશ ભુવા અને ઉપપ્રમુખ તરીકે મગન વડાવીયાને જ પુન: જવાબદારી સોંપવા અંગે ભલામણ કરવામાં આવી હોવાની પણ ચર્ચા છે.
આ રજૂઆત બાદ પ્રદેશ ભાજપ દ્વારા મામલાને ગંભીરતાથી લઈ જિલ્લા સંગઠન પાસેથી માત્ર બે નામ નહીં પરંતુ 4થી 6 નામનો પેનલ મોકલવા સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે, જેથી પ્રદેશ કક્ષાએ યોગ્ય કાર્યકર્તાની પસંદગી અંગે નિર્ણય લઈ શકાય. બીજી તરફ, ચૂંટણીને હવે માત્ર એક દિવસનો સમય બાકી હોવાથી 4થી 6 નામનો પેનલ તૈયાર કરી પ્રદેશને મોકલવો શક્ય ન હોવાનું જિલ્લા ભાજપ પ્રમુખ તરફથી જણાવાયું હોવાનું જાણવા મળે છે. પરિણામે પ્રદેશ કક્ષાએ ચૂંટણીમાં ‘નોનકોરમ’ રાખવાની સૂચના આપવામાં આવી અને આજે યોજાનારી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી મોકૂફ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ સમગ્ર ઘટનાક્રમથી રાજકોટ જિલ્લા ભાજપમાં સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં ઉમેદવારી અને પક્ષીય ભલામણને લઈને ફરી ચર્ચા શરૂૂ થઈ છે. ખાસ કરીને તાજેતરમાં રાજકોટ-લોધિકા સહકારી સંઘની ચૂંટણીમાં પક્ષના મેન્ડેટને લઈને ઊભા થયેલા વિવાદ બાદ જિલ્લા ભાજપ પ્રમુખની ભૂમિકા અંગે પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ હતી. તાજેતરના અહેવાલોમાં મેન્ડેટ વિરુદ્ધ ચૂંટણી લડનારા આગેવાનો અંગે પ્રદેશને રજૂઆત થયાનો ઉલ્લેખ છે.
