બેંકે સીલ કરેલી મિલકતનું ગેરકાયદે સીલ તોડી મકાન માલિક રહેવા જતો રહ્યો

રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલી પ્રણામી પાર્ક પાસેની ન્યૂ ગાંધીનગર કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી શેરી નંબર 10 માં સ્થિત ‘શ્રી રામ’ મકાનના માલિકે બેંક ઓફ બરોડામાંથી…

રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલી પ્રણામી પાર્ક પાસેની ન્યૂ ગાંધીનગર કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી શેરી નંબર 10 માં સ્થિત ‘શ્રી રામ’ મકાનના માલિકે બેંક ઓફ બરોડામાંથી કરોડો રૂૂપિયાની લોન મેળવ્યા બાદ હપ્તા ભરપાઈ ન કરતાં આ મામલો અદાલત સુધી પહોંચ્યો હતો. પ્રણવ ધીરૂૂભાઈ ભુત અને દિવ્યા પ્રણવભાઈ ભુતે બેંક ઓફ બરોડાની ઢેબર રોડ શાખામાંથી અલગ-અલગ જોઈન્ટ ટર્મ લોન એકાઉન્ટ મારફતે કુલ રૂૂ. 1,29,86,000 ની ધિરાણ રકમ મેળવી હતી. લોનના હપ્તા નિયમિત ન ભરાતાં બેંક દ્વારા માર્ચ 2026માં નોટિસ પાઠવવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટના 15મા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા 23 ઓગસ્ટ 2026ના રોજ કોર્ટ કમિશનર એ.એ. ચાવડાની નિમણૂક કરીને પોલીસ બંદોબસ્ત સાથે સદર મિલકતને સીલ કરી તેનો પ્રત્યક્ષ કબજો બેંક ઓફ બરોડાને સોંપવામાં આવ્યો હતો.

કોર્ટના આદેશાનુસાર બેંક દ્વારા મિલકતનો કબજો સંભાળ્યા બાદ મુખ્ય ગેટ પર માધવ સિક્યુરિટી એજન્સીના સિક્યુરિટી ગાર્ડને તૈનાત કરવામાં આવ્યા હતા. જોકે, 23 ઓગસ્ટ 2026ની રાત્રિના આશરે આઠ વાગ્યાના સુમારે સિક્યુરિટી ગાર્ડ કમલેશભાઈ ખાચરિયા સાથે કોઈ અજાણ્યા શખ્સોએ બોલાચાલી કરી 112 નંબર પર કોલ કર્યો હતો, જેથી સિક્યુરિટી ગાર્ડ અને સામાવાળા શખ્સો પોલીસ વાહનમાં પોલીસ સ્ટેશને ગયા હતા. આ સમયગાળા દરમિયાન રાત્રિના આશરે બે વાગ્યાના સુમારે મૂળ મકાનમાલિક પ્રણવભાઈ ધીરૂૂભાઈ ભુતે અંદરના દરવાજા પર મારેલું બેંકનું સીલ તોડીને ઘરમાં અનાધિકૃત રીતે ગેરકાયદે પ્રવેશ કરી લીધો હતો. બીજે દિવસે સવારે સિક્યુરિટી એજન્સીના માલિક હાર્દિક સિંધવે આ ઘટના અંગે બેંકના ચીફ મેનેજરને ફોન કરીને સમગ્ર બાબતથી માહિતગાર કર્યા હતા.

ઘટનાની જાણ થતાં જ બેંક ઓફ બરોડા, ઢેબર રોડ શાખાના ચીફ મેનેજર અમરદીપ કુમારે સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. તેમણે પ્રણવ ભુત સાથે ટેલિફોનિક સંપર્ક કરી કોર્ટના આદેશથી સીલ કરાયેલ મકાનમાં ગેરકાયદે પ્રવેશ ન કરવા અને મકાન ખાલી કરવા જણાવ્યું હતું. પરંતુ પ્રણવ ભુતે અદાલતના ઓર્ડરનો અનાદર કરીને સ્પષ્ટપણે મકાન ખાલી કરવાની મનાઈ દર્શાવી હતી. આ અંગે બેંક અધિકારી દ્વારા પોલીસ કમિશનર કચેરી તથા તાલુકા પોલીસ મથકે લેખિત અરજી આપવામાં આવી હતી. અરજીના આધારે રાજકોટ તાલુકા પોલીસે આરોપી પ્રણવભાઈ ધીરૂૂભાઈ ભુત તથા તપાસમાં ખુલે તે અન્ય સામે બી.એન.એસ. (ભારતીય ન્યાય સંહિતા) કલમ 329(4) હેઠળ સીલ તોડી અનાધિકૃત પ્રવેશ કરવાનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *