ઉના-ગીરગઢડાના ખેડૂતોને ઉભા પાકમાં ટ્રેકટર ફેરવવાની નોબત

કૂવા તળિયા દેખાડવા લાગ્યા, વીજળીના ધાંધિયાથી સિંચાઇ પણ મુશ્કેલ, વીઘે 15થી 20 હજારનું રોકાણ માથે પડવાની ભીતિ આકાશ તરફ મીટ માંડીને બેઠેલા ધરતીપુત્રોની આશા હવે…

કૂવા તળિયા દેખાડવા લાગ્યા, વીજળીના ધાંધિયાથી સિંચાઇ પણ મુશ્કેલ, વીઘે 15થી 20 હજારનું રોકાણ માથે પડવાની ભીતિ

આકાશ તરફ મીટ માંડીને બેઠેલા ધરતીપુત્રોની આશા હવે ધીમેધીમે નિરાશામાં ફેરવાઈ રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેતી પર સંકટના કાળા વાદળો ઘેરાયા છે. ખાસ કરીને ઉના અને ગીરગઢડા તાલુકામાં મગફળી સહિતના પાકને પૂરતું પાણી ન મળતાં ખેતરોમાં લીલોતરીના બદલે પીળાશ છવાઈ ગઈ છે. એક સમયે લહેરાતા મગફળીના પાક હવે પાણીના અભાવે સુકાઈ જતાં ખેડૂતોને ભારે હૈયે પોતાના જ ઉભા પાકમાં ટ્રેક્ટર અને રોટાવેટર ફેરવવાની ફરજ પડી રહી છે.

ખેડૂતો માટે આ માત્ર પાક નિષ્ફળ જવાની વાત નથી, પરંતુ મહિનાઓની મહેનત, કરેલું રોકાણ અને પરિવારના ભવિષ્યની આશા જમીનમાં ભેળવી દેવાનો કાળજું કંપાવી નાખે એવો પ્રસંગ બની રહ્યો છે. ક્યાંક ખેડૂતો ઉભી મગફળીનો પાક ટ્રેક્ટરથી નાશ કરી રહ્યા છે, તો ક્યાંક બચેલો પાક મજૂરો રાખીને કાઢવાની મજબૂરી ઊભી થઈ છે. પરંતુ મજૂરી, દવા અને અન્ય ખર્ચ બાદ હાથમાં આવતી ઉપજમાંથી ખર્ચ પણ વસૂલ થશે કે નહીં તે અંગે ખેડૂતોમાં ભારે ચિંતા છે.

ચાલુ ખરીફ સીઝનમાં સારો વરસાદ થશે અને મગફળી નો પાક સારી આવક આપશે તેવી આશાએ ખેડૂતોએ બિયારણ, ખાતર, દવા અને મજૂરી પાછળ મોટો ખર્ચ કર્યો હતો. પરંતુ વરસાદ ખેંચાતા મગફળીના છોડને જરૂૂરી ભેજ અને પિયત ન મળતાં પાક પીળો પડી ગયો છે. અનેક ખેતરોમાં છોડ સુકાઈ જવાની સાથે મગફળી નો વિકાસ પણ અટકી ગયો છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ, મગફળી સંપૂર્ણ રીતે તૈયાર થાય તે પહેલાં જ વરસાદની અછત સર્જાતા પાકમાં અપેક્ષિત ઉત્પાદન થવાની શક્યતા ઘટી ગઈ છે. બીજી તરફ ખેતરોમાં રહેલા કૂવા પણ હવે તળિયા દેખાડવા લાગ્યા છે. થોડું ઘણું પાણી ઉપલબ્ધ હોય તેવા ખેડૂતો પણ નિયમિત સિંચાઈ કરી શકતા નથી. કૂવામાં પાણી છે, પણ વીજળીના ધાંધિયાથી પિયત અટવાઈ ખેડૂતોની મુશ્કેલી માત્ર વરસાદ પૂરતી મર્યાદિત નથી. કેટલાક ખેડૂતોના ખેતરોમાં કૂવામાં થોડું ઘણું પાણી બચ્યું છે, પરંતુ પૂરતો અને નિયમિત વીજ પુરવઠો ન મળતાં તે પાણી પણ પાક સુધી પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે.

ખેડૂતોના જણાવ્યા પ્રમાણે એક વીઘા મગફળી પાછળ બિયારણ, ખાતર, દવા, વાવણીથી લઈને મજૂરી સુધી નો ખર્ચ અંદાજે રૂૂ.15 હજારથી રૂૂ.20 હજાર સુધી પહોંચી જાય છે. અનેક ખેડૂતોએ બેંકમાંથી ધિરાણ મેળવી ખેતીમાં નાણાં લગાવ્યા હતા. સારો વરસાદ થશે અને સારો પાક આવશે તો દેવું ચૂકવી પરિવારનો ખર્ચ કાઢી શકાશે તેવી આશા રાખી હતી.પરંતુ વરસાદ ખેંચાતાઆગણિતખોરવાઈ ગયું છે. હવે પાક બચાવવા વધુ ખર્ચ કરવો કે નુકસાન સ્વીકારી ખેતર ખાલી કરી દેવું તેવી દ્વિધામાં ખેડૂતો મુકાયા છે. બચેલો પાક કાઢવા માટે મજૂરો રાખવા પડે તો મજૂરીનો વધારાનો બોજ પણ માથે પડી રહ્યો છે.

વરસાદે પાક નહીં, ખેડૂતોની આશા પણ સૂકવી નાખી!
ખેડૂત સવજીભાઈએ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે વરસાદ ખેંચાતા ખેતરમાં ઊભેલા પાકને પૂરતું પાણી મળી શક્યું નથી. પરિણામે મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાક સુકાઈ જતાં નિષ્ફળ જવાની સ્થિતિ સર્જાઈ છે.સારા વર્ષની આશાએ બેંકમાંથી લોન મેળવી બિયારણ, ખાતર, દવા અને મજૂરી પાછળ નાણાં ખર્ચ્યા હતા. વરસાદ સમયસર અને પૂરતો પડશે તો પાક સારું ઉત્પાદન આપશે અને લોન સહિતનો ખર્ચ નીકળી જશે તેવી આશા હતી. પરંતુ મેઘરાજાએ મોઢું ફેરવતાં હવે આખું ગણિત ઊંધું વળી ગયું છે.સવજીભાઈનું કહેવું છે કે પાક હાથમાં આવે તે પહેલાં જ બિયારણ, દવા અને મજૂરીનો ખર્ચ માથે પડી ગયો છે. હવે પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું અને બેંકની લોન કેવી રીતે ભરવી તે ચિંતા સતાવી રહી છે.

એક તરફ કુદરત રૂઠી, બીજી તરફ વીજ પુરવઠાની અનિયમિતતા!
ખેડૂત ભરતભાઈ વાઢેરએ જણાવ્યું હતું કે ખેડૂતો હાલ બેવડી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એક તરફ વરસાદ ખેંચાતા મગફળીનો પાક સુકાઈ રહ્યો છે, જ્યારે બીજી તરફ જે ખેડૂતોના કૂવામાં થોડું ઘણું પાણી બચ્યું છે તેઓ પણ નિયમિત વીજ પુરવઠાના અભાવે પાકને પૂરતું પિયત આપી શકતા નથી. ખેડૂતો કહે છે કે વરસાદના અભાવે પાકને બચાવવા માટે કૂવામાં રહેલા પાણીનો ઉપયોગ કરવો જરૂૂરી છે. પરંતુ વીજ પુરવઠો પૂરતો અને નિયમિત ન મળતાં સિંચાઈનું આયોજન મુશ્કેલ બને છે. પરિણામે આંખ સામે પાક સુકાતો જોવાનો વારો આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *