રાજકોટ સહિત ગુજરાતભરના વાઇનશોપમાં ઈમ્પોર્ટેડ દારૂનું વેચાણ બંધ

રાજકોટ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં અધિકૃત પરમિટધારકો માટે ઈમ્પોર્ટેડ (આયાતી) વિદેશી દારૂૂ અને બીયર પૂરા પાડતી વાઇન શોપ્સ પરથી હાલ પૂરતું આયાતી દારૂૂનું વેચાણ સ્થગિત…

રાજકોટ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં અધિકૃત પરમિટધારકો માટે ઈમ્પોર્ટેડ (આયાતી) વિદેશી દારૂૂ અને બીયર પૂરા પાડતી વાઇન શોપ્સ પરથી હાલ પૂરતું આયાતી દારૂૂનું વેચાણ સ્થગિત કરી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આયાતી વિદેશી મિશ્રણો, સ્પિરિટ અને બીયર પર એક્સાઇઝ ડ્યુટી (અબકારી જકાત) તેમજ વેલ્યુ એડેડ ટેક્સ (વેટ)માં ધરખમ વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ આકરા કરમાળખાના ફેરફારને પગલે નવી કિંમતોનું ભાવપત્રક લાગુ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હોવાથી, રાજ્યની તમામ સંલગ્ન વાઇન શોપ્સ પર હાલ પૂરતો ઈમ્પોર્ટેડ વિદેશી દારૂૂ અને બીયરનો પુરવઠો બંધ રાખવામાં આવ્યો છે.

રાજ્યના અબકારી અને નશાબંધી ખાતા દ્વારા ટેક્સના દરોમાં કરાયેલા આ વધારાના પરિણામે, જૂના સ્ટોક અને નવી કિંમતો વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવા તેમજ નવું સુધારેલું ભાવપત્રક સિસ્ટમમાં અપડેટ કરવા માટે થોડા સમય માટે આ વેચાણ અટકાવવાનો નિર્ણય લેવાયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી કિંમતો આખરી ઓપ પામ્યા બાદ અને અધિકૃત રીતે લાગુ થયા બાદ જ વાઇન શોપ પરથી ઈમ્પોર્ટેડ દારૂૂ અને બીયરનો પુન: પુરવઠો શરૂૂ કરવામાં આવશે.

સરકાર દ્વારા કરાયેલા ડ્યુટી અને વેટના વધારાને કારણે પરમિટધારકોના ખિસ્સા પર સીધો આર્થિક બોજ પડશે. વિવિધ આયાતી બ્રાન્ડ્સના ભાવમાં મસમોટો વધારો નોંધાયો છે. ઉદાહરણ તરીકે, જે આયાતી ’રેડ લેબલ’ વિસ્કી અગાઉ રૂૂ. 3100માં ઉપલબ્ધ થતી હતી, તેની કિંમત હવે વધીને રૂૂ. 4950 થઈ જશે. આવી જ રીતે અન્ય પ્રખ્યાત ઈમ્પોર્ટેડ વિસ્કી, વાઇન અને બીયરના ભાવમાં પણ મોટો ફેરફાર થયો છે. આ અણધાર્યા ભાવવધારાથી પરમિટ ધરાવતા ગ્રાહકોમાં ઘોર નિરાશા અને અસંતોષની લાગણી જન્મી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં દારૂૂબંધીનો કડક કાયદો અમલમાં છે. પરંતુ કાયદાકીય જોગવાઈઓ હેઠળ તબીબી સ્વાસ્થ્યના કારણોસર (મેડિકલ પરમિટ) તેમજ રાજ્યની મુલાકાતે આવતા વિદેશી અને અન્ય રાજ્યોના પ્રવાસીઓ (ટૂરિસ્ટ અને મુલાકાતી પરમિટ) માટે અધિકૃત લિકર શોપ્સ પરથી મર્યાદિત જથ્થામાં દારૂૂ ખરીદવાની મંજૂરી આપવામાં આવે છે. જોકે, નવી એક્સાઇઝ નીતિના પરિણામે હવે પરમિટધારકોએ પણ આયાતી દારૂૂ મેળવવા માટે અગાઉ કરતાં ખૂબ જ વધુ રકમ ચૂકવવી પડશે. ગુજરાત રાજ્યની માન્યતા પ્રાપ્ત વાઇન શોપ્સમાં બ્રાન્ડ્સની વિશાળ શ્રેણી વેચાણ માટે ઉપલબ્ધ હોય છે., રાજ્યમાં કુલ:801 પ્રકારના સ્પિરિટ (જેમાં વિવિધ પ્રકારની વિસ્કી, વોડકા, રમ, જિન વગેરેનો સમાવેશ થાય છે), 226 પ્રકારના બીયર, અને 636 પ્રકારના વાઇનનું અધિકૃત રીતે વેચાણ કરવામાં આવે છે.

આ તમામ કેટેગરીમાં આયાતી બ્રાન્ડ્સનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. પરમિટધારકો ખાસ કરીને આયાતી પ્રોડક્ટ્સ પસંદ કરતા હોય છે, પરંતુ હવે કિંમતો આસમાને પહોંચતાં ઘણા વપરાશકર્તાઓ સ્થાનિક અથવા અન્ય વૈકલ્પિક માર્ગો તરફ વળવા મજબૂર બને તેવી શક્યતા છે. સ્થાનિક વાઇન શોપના સંચાલકોના જણાવ્યા મુજબ, નવા દરો અમલમાં આવ્યા બાદ જ ગ્રાહકોને સુધારેલા ભાવે માલ રસીદ આપી શકાશે. આ પરિસ્થિતિને કારણે ઘણા પરમિટધારકોએ આયાતી દારૂૂ મેળવવા માટે રાજ્ય બહારથી ખરીદી કરવાની ફરજ પડશે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ટૂંક સમયમાં નવું સત્તાવાર ભાવપત્રક જાહેર થતાં જ રાજ્યભરની લિકર શોપ્સ પર નિયમિત વેચાણ પુન: શરૂૂ થઈ જશે.

વાઇન શોપમાં હવે કવાટર બોટલ નહીં મળે
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતની અધિકૃત વાઇન શોપ્સ પરથી હવે ઈમ્પોર્ટેડ (આયાતી) વિદેશી દારૂૂની નાની ક્વાટર બોટલો મેળવવી અશક્ય બની જશે. રાજ્ય સરકાર દ્વારા આયાતી વિદેશી દારૂૂ અને બીયર પર એક્સાઇઝ ડ્યુટી (અબકારી જકાત) તેમજ વેટ (વેટ)ના દરોમાં કરેલા ધરખમ વધારા સાથે ટેક્સ સ્લેબના માળખામાં પણ મોટો નીતિગત ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવા નિર્ણય હેઠળ નાના ક્વાટર પેકિંગ પરનો અગાઉનો ટેક્સ સ્લેબ સંપૂર્ણપણે નાબૂદ કરી દેવાયો છે, જેના પરિણામે રૂૂ. 500 થી રૂૂ. 2000 સુધીની કિંમતમાં વેચાતી નાની આયાતી બોટલોનું વેચાણ કાયમી ધોરણે બંધ કરવામાં આવી રહ્યું છે.નવી એક્સાઇઝ નીતિ મુજબ, સરકારે હવે ટેક્સ માળખું બદલીને માત્ર રૂૂ. 2000થી વધુની કિંમત ધરાવતી આયાતી વિદેશી દારૂૂની બોટલોનું જ વેચાણ ચાલુ રાખવાની તૈયારીઓ શરૂૂ કરી છે. પરિણામે, ઓછી કિંમત અથવા નાના જથ્થામાં ક્વાટર બોટલ ખરીદતા પરમિટધારકો માટે હવે વિકલ્પો સીમિત થઈ ગયા છે. આ વહીવટી નિયમો અને નવું સુધારેલું ભાવપત્રક સિસ્ટમમાં અમલી બનાવવાની પ્રક્રિયા ચાલી રહી હોવાથી, રાજ્યભરની તમામ લિકર શોપ્સ પરથી હાલ પૂરતું ઈમ્પોર્ટેડ દારૂૂ અને બીયરનું વેચાણ સ્થગિત રાખવામાં આવ્યું છે.ગુજરાતના હેલ્થ પરમીટ ધારકો તેમજ બહારથી આવતા પ્રવાસીઓ માટે પરમિટથી દારૂૂ મેળવતા પરમીટ ધારકોને ક્વાટર બોટલો બંધ થવાથી અને ભાવવધારાથી દારૂૂ ખરીદવા માટે બમણા પૈસા ખર્ચવા પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *