ઓઇલ-ગેસના ભાવમાં થશે મોટો ઘટાડો, અમેરિકા-ઈરાન સંઘર્ષ વચ્ચે ટ્રમ્પનો મોટો દાવો

    અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની સીધી અસર હવે વૈશ્વિક ઓઇલ માર્કેટ પર જોવા મળી રહી છે.મિડલ ઈસ્ટમાં સ્થિતિ વધુને વધુ વણસી…

 

 

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની સીધી અસર હવે વૈશ્વિક ઓઇલ માર્કેટ પર જોવા મળી રહી છે.મિડલ ઈસ્ટમાં સ્થિતિ વધુને વધુ વણસી રહી છે, ત્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ હવે 97 ડૉલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયો છે.જેના કારણે વૈશ્વિક ચિંતાઓ વધી રહી છે અને ફુગાવાનું જોખમ વધી રહ્યું છે.

તેલના વધતા ભાવો વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે એક મોટી આગાહી કરી હતી, જેમાં જણાવ્યું હતું કે ઈરાન સાથેના યુદ્ધમાં યુએસની જીતથી ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો થશે, જેમાં ગેસના ભાવમાં પણ ઘટાડો થવાની સંભાવના છે. ઈરાને તેના સૌથી મોટા ગ્રાહકો માટે ગેસના ભાવમાં વધારો કર્યા પછી ટ્રમ્પે આ દાવા કર્યા હતા.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટ શેર કરીને વધતી ઊર્જાની કિંમતોને મિડલ ઈસ્ટના સંઘર્ષ સાથે જોડી છે. તેમણે દાવો કર્યો છે કે, ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાનો વિજય થશે અને ત્યાર બાદ બજાર ફરી સ્થિર થઈ જશે. ટ્રમ્પે લખ્યું કે, ‘ઈરાન સામે યુદ્ધ જીત્યા પછી ઓઇલની કિંમતો ઝડપથી નીચે આવશે. ગેસની કિંમત ઘટીને 3 ડૉલર પ્રતિ ગેલન થશે અને અંતે તે 2 ડૉલર પ્રતિ ગેલનથી પણ નીચે આવી જશે.’ આ સાથે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, આ બધું ખૂબ ઝડપથી થશે અને ઈરાનને ક્યારેય પરમાણુ હથિયાર વિકસાવવા દેવામાં આવશે નહીં.

ટ્રમ્પે તેલ અને ગેસના ભાવ અંગે આ દાવા અને આગાહીઓ એવા સમયે કરી છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર તણાવ વધી ગયો છે. ઈરાની અધિકારીઓએ અમેરિકાના પગલાંના જવાબમાં દેશના ઉર્જા માળખા પર કોઈપણ હુમલા સામે બદલો લેવાની ચેતવણી આપી છે. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં પુનરોચ્ચાર કર્યો હતો કે ઈરાનને પરમાણુ શસ્ત્રો વિકસાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું, “બધું ઝડપથી થશે, અને ઈરાન ક્યારેય પરમાણુ શસ્ત્રો ધરાવશે નહીં.”

બીજી તરફ, અમેરિકા સાથે ચાલી રહેલા યુદ્ધ અને આર્થિક સંકટના કારણે ઈરાને પોતાના સૌથી મોટા ગેસ ગ્રાહકો માટે કિંમતોમાં વધારો કરી દીધો છે. અહેવાલો મુજબ, ઈરાન દ્વારા કરવામાં આવેલો આ બીજો ભાવવધારો છે. નવા નિયમ અનુસાર, 110 લીટર (29 ગેલન)ના માસિક ક્વોટાથી વધુ ઈંધણ ખરીદનાર ગ્રાહકોએ પ્રતિ લીટર 1,00,000 રિયાલ ચૂકવવા પડશે, જે ડિસેમ્બરની સરખામણીએ બમણી રકમ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *