જામનગરના લાલપુર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પ્રસિદ્ધ ભોળેશ્વર મહાદેવના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને મોડી રાત્રે અકસ્માત નડ્યો હતો. જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર આવેલા ચંગા રોડ વિસ્તારમાં મધરાતે આશરે 2 વાગ્યાના અરસામાં કિયા કાર, ઓટોરિક્ષા અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષાચાલક અને બે યુવાનો સહિત 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે 2 મહિલા અને 5 બાળકો સહિત 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
મોડી રાત્રે દર્શનાર્થીઓની ભારે અવરજવર વચ્ચે સર્જાયેલા આ ભીષણ અકસ્માતમાં ત્રણેય વાહનનો બુકડો બોલી ગયો હતો. અકસ્માતમાં રિક્ષાચાલક ગુલાબભાઈ બારોટ (ઉં.વ. 60) તેમજ બાઈક પર સવાર જામનગરના બે યુવાન નવીન પઠાણ અને નોમન સમાનું સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્તોમાં 40 વર્ષીય ધારાબહેન બારોટ, 11 વર્ષીય આશી બારોટ, 10 વર્ષીય અંજલી મોખરા, 10 વર્ષીય ક્રિશ મોખરા, 55 વર્ષીય ચંદ્રિકાબહેન મોખરા, 13 વર્ષીય દર્શન બારોટ અને 15 વર્ષીય પરમ રાજેશનો સમાવેશ થાય છે.
અકસ્મતા બાદ નજીકના સેવા કેમ્પના યુવાનો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. સાથે જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ત્રણ ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ભોળેશ્વર મહાદેવના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડેલા આ ગમખ્વાર અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે.
