નેપાળમાં હિમશિખર પીગળવાથી આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે ભારત માટે પણ ચિંતાજનક સંકેતો સામે આવ્યા છે. કાઠમંડુ સ્થિત International Centre for Integrated Mountain Development (ICIMOD) દ્વારા આશરે પાંચ મહિના પહેલાં જાહેર કરાયેલા અહેવાલોમાં હિમાલયના ઝડપથી પીગળતા હિમશિખરો અને તેનાથી સર્જાઈ શકે તેવા જોખમ અંગે ચેતવણી આપવામાં આવી હતી.
રિપોર્ટ મુજબ હિમાલય વિસ્તારમાં 10 હેક્ટરથી મોટા અનેક ગ્લેશિયર સરોવરો જોખમ હેઠળ છે. હિમશિખરો ઝડપથી પીગળવાને કારણે સરોવરોમાં પાણીનું પ્રમાણ વધતું જાય છે અને ભવિષ્યમાં આવા સરોવરો ફાટવાથી અચાનક વિનાશક પૂર આવી શકે છે. આવી ઘટનાને ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF) તરીકે ઓળખવામાં આવે છે.
ICIMODના આંકડા મુજબ ભારતીય હિમાલય વિસ્તારમાં પણ આશરે 130 ગ્લેશિયર સરોવરો અત્યંત જોખમી સ્થિતિમાં હોવાનું જણાવાયું છે. જો આ સરોવરોમાં કોઈ એક ફાટે તો નીચાણવાળા વિસ્તારોમાં અચાનક મોટા પ્રમાણમાં પાણી ધસી આવવાની શક્યતા છે. જેના કારણે જાનમાલ ઉપરાંત માર્ગો, પુલો, વીજ પ્રોજેક્ટ્સ અને અન્ય માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન થઈ શકે છે.
હિમાલયના હિમશિખરો ઝડપથી પીગળી રહ્યા હોવાથી આગામી સમયમાં ગ્લેશિયર સરોવરોનું જોખમ વધી શકે છે. નિષ્ણાતોના અહેવાલો મુજબ જોખમી સરોવરોની સતત દેખરેખ, વહેલી ચેતવણીની વ્યવસ્થા અને સંભવિત પૂરથી અસરગ્રસ્ત વિસ્તારો માટે આગોતરી તૈયારી અત્યંત જરૂૂરી બની છે.
નેપાળની તાજેતરની દુર્ઘટના ભારત માટે પણ એક ગંભીર ચેતવણી સમાન છે.
