વડોદરા શહેરમાં ચાંદીપુરા વાયરસનો કહેર દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વડોદરાના તરસાલી અને અટલાદરા જેવા વિસ્તારોમાંથી ચાંદીપુરા વાયરસના નવા શંકાસ્પદ કેસો સામે આવતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે અને લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.
વડોદરા શહેરની એસ.એસ.જી. હોસ્પિટલમાં હાલ ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા કુલ 3 દર્દીઓ દાખલ છે, જેમના રિપોર્ટ આવવાની રાહ જોવાય રહી છે. અત્યાર સુધીમાં આ ખતરનાક વાયરસના કારણે કુલ 50 જેટલા શંકાસ્પદ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા છે. તેમાંથી 4 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, જેમાંથી 2 બાળકોના મોત નીપજ્યા છે, જ્યારે એક બાળક સાજું થઈને ઘરે પરત ફર્યું છે અને અન્ય એક બાળક હોસ્પિટલની જાણ બહાર ઘરે ચાલ્યું ગયું હોવાની વિગતો સામે આવી છે.
ચાંદીપુરા વાયરસ અંગે RMO ઈનચાર્જ ડો.જાગૃતિ ચૌધરીનું નિવેદનઆ સમગ્ર બાબતે માહિતી આપતા એસ.એસ.જી. હોસ્પિટલના આર.એમ.ઓ. ઇનચાર્જ ડો. જાગૃતિ ચૌધરીએ જણાવ્યું હતું કે, ચાંદીપુરામમાં અત્યાર સુધી લગભગ અમારા નોડલ ઓફિસરના જણાવ્યા પ્રમાણે 50 જેટલા દર્દીઓ, મોસ્ટલી પેડિયાટ્રિક જ હોય છે, એ સારવાર લઈ ચૂક્યા છે. સસ્પેક્ટેડ હતા એમાંથી 4 પોઝિટિવ હતા, 4 માંથી 2ના મોત થયા છે, એક બાઇળ સારું થઈને ડિસ્ચાર્જ થઈને ઘરે ગયું. હાલ 3 પેડિયાટ્રિક પેશન્ટ ઓબ્ઝર્વેશનમાં છે એટલે કે સસ્પેક્ટેડ છે, જેના રિપોર્ટ હજુ આવ્યા નથી, આ 3 જે દર્દીઓ છે એમાં એક ગોધરા સાઇડનો છે અને બે દર્દીઓ જે છે એ લોકલ વડોદરાના છે.
