ડબલ મર્ડરમાં સામેલ શખ્સે આજીડેમ પાસે ખાડામાં દાટેલા બે તમંચા મળી આવ્યા

શહેર પીસીબીની ટીમે હથીયાર કેસમાં નામ ખુલતાં ડબલ મર્ડરના ગુનામા આજીવન કેદની સજા ભોગવતા શખ્સનો જેલમાંથી કબ્જો લઇ રિમાન્ડ મેળવી વિશેષ પુછતાછ કરતાં તેણે રાજકોટમાં…

શહેર પીસીબીની ટીમે હથીયાર કેસમાં નામ ખુલતાં ડબલ મર્ડરના ગુનામા આજીવન કેદની સજા ભોગવતા શખ્સનો જેલમાંથી કબ્જો લઇ રિમાન્ડ મેળવી વિશેષ પુછતાછ કરતાં તેણે રાજકોટમાં છુપાવેલા દેશી બનાવટના પિસ્તોલ, તમંચો કાઢી આપ્યા છે. જે તે વખતે તે ચાર હથીયાર વેંચવા રાજકોટ આવ્યો હતો. જેમાં બે હથીયારના ગ્રાહક મળી ગયા બાદ બીજા બે હથીયાર ન વેંચતા આજીડેમ પક્ષી ઘર પાસે પાઇપ લાઇનના વાલ્વ પાસે ખાડો કરી દાટી દીધા હતાં. ત્યાંથી આ બંને હથીયાર કબ્જે કરાયા છે. આમ આ કેસમાં ત્રણ આરોપીઓ પાસેથી કુલ ચાર ગેરકાયદે હથીયાર કબ્જે થયા છે.

જાણવા મળ્યા મુજબ પીસીબી પોલીસ ઇન્સપેક્ટર એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ મહીપાલસિંહ ઝાલા. ઘનશ્યામસિંહ ચૌહાણ અને હેડકોન્સ. હરદેવસિંહ રાણાને મળેલી સંયુક્ત બાતમીના આધારે તા. 18/8ના રોજ ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ નંગ-2 તથા 11 જીવતા કારતુસ સાથે બે શખ્સને પકડી લીધા હતાં. આ ગુણની આગળની તપાસ પીએસઆઇ આર. કે. જાડેજાએ હાથ ધરી હતી. તપાસમાં ખુલ્યું હતું કે આ બંને હથીયાર-કાર્ટીસ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મર્ડરના ગુન્હામાં આજીવન કેદની સજા ભોગવતા આરોપી અકીલ વલીભાઇ સૈયદ (ઉં.વ.30, રહે. સાવરકુંડલા, જુના બસ સ્ટેન્ડ પાસે, પઠાણ ફળીયુ, જી. અમરેલી)એ આપેલા હતા.

આથી પીએસઆઇ આર. કે. જાડેજાએ અકીલ સૈયદનો અમદાવાદ જેલમાંથી કબ્જે મેળવી કોર્ટમાં રજૂ કરતાં તેના પાંચ દિવસના રીમાન્ડ મંજુર થયા હતાં. આ શખ્સની વિશેષ પુછતાછ થતાં તેણે વધુ બે હથીયાર રાજકોટમાં છુપાવ્યાનું કબુલ્યું હતું. અકીલની કબુલાતને આધારે પોલીસ તેને લઇ આજીડેમ પક્ષીઘર પાસે પહોંચી હતી. ત્યાં તેણે પાણીની લાઈન પાસેનો મોટો વાલ્વ બતાવ્યો હતો અને તેની નજીક એક મોટા પથ્થર નીચે ખાડામાં હથીયાર હોવાનું કહ્યું હતું. પોલીસે તપાસ કરતાં ખાડામાંથી પ્લાસ્ટીકની કોથળીમાંથી દેશી પિસ્તોલ રૂૂા. 25 હજારની અને દેશી તમંચોરૂૂા. 5 હજારનો મળી આવતાં કબ્જે લઇ વિશેષ કાર્યવાહી કરી હતી. આમ ત્રણ આરોપી પાસેથી કુલ ચાર હથીયાર જપ્ત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *