શહેરના લાતીપ્લોટમાં એસઓજીએ દરોડો પાડી નકલી તમાકુના ઉત્પાદન અને વેચાણના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. “હિરેન પરફ્યુમરી વર્ક્સ” નામના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ડુપ્લીકેટ તમાકુનું ઉત્પાદન કરી સંગ્રહ કરવામાં રેકેટમાં બે સગા ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે. આ બન્ને ભાઈઓ શહેરના અલગ-અલગ વેપારીઓને આ નકલી તમાકુ સપ્લાય કરતા હતા.
મળતી વિગતો મુજબ એસઓજીના એ.એસ.આઈ. રાજેશભાઈ બાળા, સિદ્ધરાજસિંહ જાડેજા અને સ્નેહભાઈ ભાદરકાને સંયુક્ત બાતમી મળી હતી કે, કુવાડવા રોડ, લાતી પ્લોટ શેરી નં. 11, ચૌહાણ વાડી સ્થિત “હિરેન પરફ્યુમરી વર્ક્સ” નામના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ડુપ્લીકેટ તમાકુનું ઉત્પાદન કરી સંગ્રહ કરવામાં આવી રહ્યો છે અને શહેરના અલગ-અલગ વેપારીઓને છૂટક વેચાણ કરવામાં આવી રહ્યું છે. બાતમી મળતાની સાથે જ એસઓજીની ટીમે ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન સ્થળ પરથી બે સગા ભાઈઓ મળી આવ્યા હતા: નર્મદા”, કરણસિંહજી હાઈસ્કૂલ પાછળ, આશાપુરા રોડ ઉપર રહેતા હિરેનભાઈ કાંતીલાલ સોનેજી (ખતરી) અને ફ્લેટ નં. 204, દ્વારકા દર્શન એપાર્ટમેન્ટ, રાણીંગા વાડી સામે, કાનવિકાસ ગૃહ મેઈન રોડ ઉપર રહેતા રાજુભાઈ કાંતીલાલ સોનેજી (ઉં.વ. 49) દ્વારા કોઈપણ જાતના ખાદ્ય સુરક્ષાના લાયસન્સ કે કાયદેસરના આધાર-પુરાવા વિના ડુપ્લીકેટ તમાકુનું ઉત્પાદન અને પ્રોસેસિંગ કરતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
એસઓજીની ટીમે ગોડાઉનમાંથી મોટી માત્રામાં તૈયાર તમાકુ, કાચો માલ, કેમિકલ અને પેકિંગ મશીનરી સહિત કુલ રૂૂ. 1,72,770 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે, જેમાં મુખ્યત્વે: 500 ગ્રામ, 200 ગ્રામના અલગ-અલગ પ્લાસ્ટિક પેકેટ્સમાં ભરેલી તમાકુ તથા કલર ડબ્બીઓ, બ્લુ બેરલમાં ભરેલી 40.500 કિલો તમાકુ, 150 લિટર લાઈટ લિક્વિડ પેરાફીન ઓઈલ અને 26 કિલો જેટલું સુગંધિત પ્રવાહી તેમજ તમાકુ અને કેમિકલ મિક્સ કરવા માટેનું ઈલેક્ટ્રિક મોટરવાળું મિક્સર મશીન, ગ્રાઈન્ડર મશીન, ડબ્બા પેકિંગ મશીન તથા બેગ સીલિંગ મશીનો, ’હિમસન હીરામોતી’, ’સુગમ ટોબેકો નામના 1030 પતરાના છાપેલા નકલી ડબ્બા અને બ્રાન્ડેડ તમાકુના લખાણવાળી ખાલી પ્લાસ્ટિક બેગ મળી આવી હતી.
આ દરોડા દરમિયાન એફ.એસ.એલ. અધિકારી સમીર જોષી તથા રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે. સરવૈયા દ્વારા સ્થળ પર આવી પ્રાથમિક પરીક્ષણ કરી જરૂૂરી સેમ્પલો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, ડીસીપી (ક્રાઈમ) જગદીશ બાંગરવા તથા એસીપી ક્રાઈમ ભરત બી. બસીયાના માર્ગદર્શન હેઠળ એસઓજીના પી.આઈ. એન.બી. ચૌધરીની આગેવાની હેઠળ એ.એસ.આઈ. અરૂૂણભાઈ, સિદ્ધરાજસિંહ, રાજેશભાઈ, વિરેન્દ્રસિંહ, જયદિપસિંહ, સ્નેહભાઈ, રવિરાજભાઈ અને જયપાલસિંહ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.
