વૈશ્વિક હીરા ઉત્પાદનના કેન્દ્ર સમાન સુરતના હીરા ઉદ્યોગ સામે વધુ એક મોટો આર્થિક પડકાર ઊભો થયો છે. રશિયા દ્વારા પોતાના દેશમાં જ ડાયમંડ કટિંગ અને પોલિશિંગ ક્લસ્ટર સ્થાપવાની અને સ્થાનિક ઉત્પાદનને જંગી પ્રોત્સાહન આપવાની જાહેરાતથી સુરતના ડાયમંડ માર્કેટ પર અત્યંત ગંભીર અને નકારાત્મક અસર પડવાની શક્યતા સેવાઈ રહી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સખ્ખા પ્રજાસત્તાક (યાકુતિયા) અને સ્મોલેન્સ્ક ક્ષેત્રમાં સ્થાનિક કટિંગ હબ વિકસાવવા માટે સત્તાવાર આદેશ જારી કર્યા છે, જે સુરતના અર્થતંત્ર માટે ચિંતાજનક સાબિત થઈ શકે છે.
આ નવી નીતિ હેઠળ રશિયા પોતાના દેશમાં પ્રોસેસિંગ કરનારા સ્થાનિક એકમોને પ્રથમ અગ્રતા આપશે અને રફ હીરાની બહાર નિકાસ કરવા પર 8 ટકા જેટલી ભારે એક્સપોર્ટ ડ્યુટી લાદવાની તૈયારી કરી રહ્યું છે. જો રશિયા પોતાની ખાણોમાંથી નીકળતા રફ હીરા સ્થાનિક સ્તરે જ પોલિશ કરવાનું શરૂૂ કરશે, તો વિશ્વના 90 ટકા હીરાનું કટિંગ અને પોલિશિંગ કરતા સુરતને મળતા કાચા માલના સપ્લાયમાં ભારે ઘટાડો થશે. યુક્રેન યુદ્ધ અને પશ્ચિમી દેશોના પ્રતિબંધો બાદ ભારત ખાતે રશિયાથી થતી રફ હીરાની આયાત 2022-23ના 1,195 મિલિયન ડોલરથી ગગડીને 2025-26માં માત્ર 307 મિલિયન ડોલર પર આવી ગઈ છે, ત્યારે આ નવા નિર્ણયથી પરિસ્થિતિ વધુ વણસશે.
સુરતના હીરા ઉદ્યોગ સાથે આશરે આઠ લાખ જેટલા કુશળ કારીગરો સીધા જોડાયેલા છે. જો રશિયા પોતાના કુદરતી સંસાધનોનું નિયંત્રણ વધારીને રફ હીરાનો મોટો હિસ્સો પોતાના ક્લસ્ટર માટે અનામત રાખશે, તો સુરતના કારખાનાઓમાં કાચા માલની તીવ્ર અછત સર્જાશે. પરિણામે નાના અને મધ્યમ કદના કારખાનાઓમાં ઉત્પાદન ઘટશે, જેના કારણે મોટા પાયે બેરોજગારી અને કામકાજના કલાકોમાં કાપ મુકાવાની દહેશત વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
આ ઉપરાંત, વૈશ્વિક સ્તરે તૈયાર હીરાના વેચાણમાં ભારત સામે સીધી સ્પર્ધા ઊભી થશે. રશિયા સ્થાનિક સ્તરે પોલિશ્ડ હીરા તૈયાર કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવાનું શરૂૂ કરશે તો સુરતના પોલિશ્ડ હીરાના નિકાસ માર્કેટ અને નફાના માર્જિન પર મોટો ફટકો પડશે. મંદીનો સામનો કરી રહેલા સુરતના હીરા ઉદ્યોગ માટે રશિયાનું આ નવું પગલું લાંબા ગાળે ભારે નુકસાનકારક અને વૈશ્વિક પ્રભુત્વને હચમચાવનારું સાબિત થઈ શકે છે.
