જામનગરમાં મનપાની ફૂડ શાખાનું 62 પેઢીઓમાં ચેકિંગ

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જામનગર શહેરમાં તહેવારો દરમિયાન ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા જળવાઈ રહે તે માટે જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ખાદ્ય શાખા…

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જામનગર શહેરમાં તહેવારો દરમિયાન ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા જળવાઈ રહે તે માટે જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ખાદ્ય શાખા દ્વારા તા. 9થી 12 ઓગસ્ટ દરમિયાન સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરની કુલ 62 પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. શ્રાવણ માસ દરમિયાન ફરાળી અને ઉપવાસમાં ઉપયોગમાં લેવાતી ફરસાણ તથા વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અંગે ખાસ ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ચીઝ, બટર, પનીર સહિતની ખાદ્ય ચીજવસ્તુઓ તેમજ કોલ્ડ ડ્રિંક્સના પણ નમૂનાઓ લેવામાં આવ્યા હતા.

તપાસ દરમિયાન અયોગ્ય જણાયેલ અંદાજે 12 કિલો પનીરનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો. તેમજ ખાદ્ય ચીજવસ્તુઓના પેકિંગમાં ઉપયોગમાં લેવાતી 25 કિલો પ્રિન્ટેડ છાપાવાળી પસ્તીનો પણ સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો.

શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તાની ચકાસણી માટે કુલ 16 સર્વેલન્સ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં ફરાળી તથા ફરસાણની વસ્તુઓ ઉપરાંત ચીઝ, બટર, પનીર અને કોલ્ડ ડ્રિંક્સના સેમ્પલોનો પણ સમાવેશ થાય છે. આ તમામ સેમ્પલોને લેબોરેટરીમાં પૃથક્કરણ અને ગુણવત્તા ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે.

શ્રાવણ માસ દરમિયાન શહેરની જનતાને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે જામનગર મહાનગરપાલિકાના મ્યુની કમિશનર દિપેશ કેડિયાની રાહબરી હેઠળ મહાનગરપાલિકાની ફૂડ શાખાના મુખ્ય અધિકારી નીલેશ પી જાસોલીયા અને તેઓની સમગ્ર ટીમ દ્વારા આવી તપાસ અને કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *