રાજકોટના સુપ્રસિદ્ધ અને સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે બે મહત્વના ઘટનાક્રમ સામે આવ્યા છે. એક તરફ રાઇડ્સ સંચાલકો દ્વારા મોટા યાંત્રિક ઝૂલાની સાથે નાની ચકરડીઓ ગોઠવવાની મંજૂરી માંગવામાં આવી રહી છે, તો બીજી તરફ મેળામાં પ્લોટ કે સ્ટોલ મેળવવામાં નિષ્ફળ ગયેલા અરજદારોને કલેક્ટર તંત્ર દ્વારા રિફંડ ચૂકવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
પાછલા કેટલાક સમયમાં સુરક્ષાના કડક નિયમો અને એન્જિનિયરિંગ સર્ટિફિકેટના કારણે રાઇડ્સ સંચાલનનો ખર્ચ ખૂબ વધી ગયો છે. જો નાની રાઇડ્સ ગોઠવવાની મંજૂરી મળે તો આર્થિક નુકસાન સરભર કરવામાં મદદ મળશે.મોટા ઝૂલાના પ્લોટમાં રહેલી ખાલી જગ્યાઓનો યોગ્ય ઉપયોગ કરીને નાની રાઇડ્સ સુરક્ષિત રીતે ગોઠવી શકાય તેમ છે તેવો સંચાલકોનો દાવો છે. મોટા યાંત્રિક ઝૂલાઓમાં નાના બાળકો બેસી શકતા નથી, જેથી પરિવારો અને બાળકોના મનોરંજન માટે નાની ફ્લેટ રાઇડ્સ અને ચકરડીઓ ખૂબ જ જરૂૂરી બની રહે છે.
આ અંગે મોટા યાંત્રિક ઝૂલા અને રાઇડ્સ ચલાવતા સંચાલકો દ્વારા ટૂંક સમયમાં જ રાજકોટ કલેક્ટર અને લોકમેળા અમલીકરણ સમિતિને સત્તાવાર આવેદનપત્ર પાઠવવામાં આવશે. સંચાલકોને આશા છે કે સુરક્ષાના નિયમોના પૂર્ણ પાલન સાથે તંત્ર આ વ્યવસાયિક રાહત આપતો સકારાત્મક નિર્ણય લેશે.
લોકમેળામાં ખાણી-પીણી, રમકડાં, યાંત્રિક રાઇડ્સ અને ફનઝોન માટે હજારો અરજીઓ આવતી હોય છે. નિયમિત પ્રક્રિયા મુજબ કલેક્ટર તંત્ર દ્વારા ડ્રો યોજીને સ્ટોલની ફાળવણી કરવામાં આવે છે. તાજેતરમાં યોજાયેલા ડ્રોમાં જે વેપારીઓ અને અરજદારોને સ્ટોલ કે પ્લોટ ફાળવવામાં નથી આવ્યા, તેમના માટે લોકમેળા સમિતિ અને કલેક્ટર તંત્ર દ્વારા ડિપોઝિટ તથા અરજી ફીનું રિફંડ આપવાનું શરૂૂ કરી દેવાયું છે. અરજદારોએ અરજી વખતે આપેલી બેંક ખાતાની વિગતો મુજબ નાણાં સીધા બેંક એકાઉન્ટમાં જ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે.
