લિવિંગ સર્ટિફિકેટ એક સ્કૂલનું, પરિણામ બીજી શાળાનું

ડમી સ્કૂલનો ભોગ બનેલ જેતપુરના વિદ્યાર્થીના વાલી દસ્તાવેજ સુધારવા બે વર્ષથી ધક્કા ખાય છે, ડીઇઓ કચેરીની કામગીરી પણ શંકાના દાયરામાં ગુજરાતમાં ડમી સ્કૂલો અને બોગસ…

ડમી સ્કૂલનો ભોગ બનેલ જેતપુરના વિદ્યાર્થીના વાલી દસ્તાવેજ સુધારવા બે વર્ષથી ધક્કા ખાય છે, ડીઇઓ કચેરીની કામગીરી પણ શંકાના દાયરામાં

ગુજરાતમાં ડમી સ્કૂલો અને બોગસ એડમિશન સામે સવાલો ઉઠી રહ્યા છે ત્યારે જેતપુરના વિદ્યાર્થી દેવ પ્રદુલભાઈ યાદવનો કિસ્સો શિક્ષણ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરે છે. પરિવારના જણાવ્યા મુજબ, વર્ષ 2022-23માં ધોરણ 11-12 માટે જેતપુરની એપ્સિલોન સાયન્સ એકેડેમીમાં વિદ્યાર્થીને પ્રવેશ અપાયો હતો. રૂૂ.80,000ની સ્કોલરશીપ આપવાની લાલચ આપવામાં આવી હોવાનું વાલી જણાવે છે. એકેડેમી માત્ર ક્લાસીસ સ્વરૂૂપે ચાલતી હતી અને વિદ્યાર્થીનું લિવિંગ સર્ટિફિકેટ શ્રીજી વિનય મંદિર, જેતપુર ખાતે રાખવામાં આવ્યું હતું.

ધોરણ 12નું પરિણામ આવ્યા બાદ સમગ્ર મામલો સામે આવ્યો. વિદ્યાર્થીના પરિણામમાં શ્રી કમરીબાય હાઈસ્કૂલ, જેતપુરનું નામ દર્શાવવામાં આવ્યું હતું, જ્યારે લિવિંગ સર્ટિફિકેટ અન્ય શાળાનું હતું. આમ, વિદ્યાર્થીના શૈક્ષણિક દસ્તાવેજોમાં અલગ-અલગ સ્કૂલોના નામ સામે આવતા ગંભીર વિસંગતતા સર્જાઈ.
વાલીએ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ ફરિયાદ કરી હતી. પરંતુ વાલીના જણાવ્યા મુજબ, સંબંધિત સ્કૂલ અને સમગ્ર વ્યવસ્થાની જવાબદારી નક્કી કરીને કાર્યવાહી કરવાને બદલે વિદ્યાર્થીને નિયમિત પરિણામ મળ્યા બાદ જે સ્કૂલનું નામ પરિણામમાં દર્શાવવામાં આવ્યું હતું ત્યાં રીપીટર તરીકે પ્રવેશ લેવાનો આદેશ કરવામાં આવ્યો. અર્થાત્, જે વિસંગતતા વિદ્યાર્થીની ભૂલ વિના સર્જાઈ હતી તેના માટે જવાબદાર વ્યવસ્થા સામે કાર્યવાહી કરવાને બદલે વિદ્યાર્થીને જ ફરીથી તે જ વ્યવસ્થાનો ભોગ બનાવવામાં આવી રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે.

વાલીના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીને શ્રીજી વિનય મંદિર, જેતપુરનું વર્ષ 2024-25નું લિવિંગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. તપાસ કરતાં આ શાળા સરકારી રેકોર્ડ મુજબ વર્ષ 2019માં બંધ થઈ ગઈ હોવાનું સામે આવ્યું હોવાનું વાલી જણાવે છે. આ મામલો સામે આવ્યા બાદ રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સંબંધિત શાળાને રૂૂ.1.50 લાખનો દંડ કરવામાં આવ્યો હોવાનું પણ પરિવાર જણાવે છે. તેમ છતાં વિદ્યાર્થીના દસ્તાવેજોની વિસંગતતા હજુ સુધી દૂર થઈ નથી. વાલીનો આક્ષેપ છે કે છેલ્લા બે વર્ષથી તેઓ દર મહિને અનેક વખત જેતપુરથી રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. ફી એપ્સિલોનના સંચાલકના ખાતામાં ભર્યાના પુરાવા પણ પરિવાર પાસે હોવાનું જણાવાયું છે.

કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું કે, આ મામલે જણાવ્યુ છે કે, અમે ડમી સ્કૂલો અને બોગસ એડમિશનનો વિરોધ એટલા માટે કરીએ છીએ કે કેટલાક સંચાલકોના સ્વાર્થનો ભોગ અંતે વિદ્યાર્થી બને છે. આ કિસ્સામાં તો હદ થઈ ગઈ છે. વિદ્યાર્થીની ભૂલ વગર તેના દસ્તાવેજોમાં અલગ-અલગ સ્કૂલોના નામ આવ્યા અને ફરિયાદ કરવા છતાં જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાને બદલે વિદ્યાર્થીને જ રીપીટર તરીકે ફરી પ્રવેશ લેવાનો આદેશ કરવામાં આવ્યો હોવાનો વાલીનો આક્ષેપ છે. આ મામલે શિક્ષણમંત્રીને રજૂઆત કરવાની પણ ચીમકી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *