રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર વિસ્તારમાંથી એક અત્યંત શરમજનક અને હચમચાવતી ઘટના સામે આવી છે, જ્યાં ઘર નજીક જ રહેતા એક રીક્ષાચાલકે 15 વર્ષીય સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
આ ઘૃણાસ્પદ કૃત્યના કારણે સગીરા પાંચ માસની ગર્ભવતી બની હતી અને જ્યારે તેણીનું પેટ અસાધારણ રીતે ઉપસી આવ્યું ત્યારે આ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. પીડિત સગીરાની માતાની ફરિયાદના આધારે ગાંધીગ્રામ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને દુષ્કર્મ અને પોક્સો એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને હવસખોર રીક્ષાચાલકને સકંજામાં લઈ લીધો છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગર રોડ પર ઘંટેશ્વર નજીક રહેતી એક મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેમની 15 વર્ષ અને 4 મહિનાની સગીર પુત્રીએ ધોરણ 9 સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલ તે અભ્યાસ કરતી નથી. થોડા સમય પૂર્વે સગીરાનું પેટ ઉપસી આવતા માતાને શંકા ગઈ હતી. જેથી માતાએ પુત્રીની તપાસ કરાવતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે સગીરા પાંચ માસના ગર્ભથી છે. આ વાત જાણીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ માતા-પિતાએ દીકરીને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા સગીરાએ પોતાની ઉપર થયેલી આપવીતી વર્ણવી હતી, જેને સાંભળીને પરિજનો સ્તબ્ધ થઈ ગયા હતા.
સગીરાએ માતા-પિતાને જણાવ્યું હતું કે, તેણીના ઘરની નજીક જ રહેતો અને રીક્ષા ડ્રાયવિંગ કરતા રહેમાન સોહીલભાઈ શેખકાઝી સાથે નજીકમાં રહેવાને કારણે ઓળખાણ થઈ હતી. ધીમે-ધીમે બંને વચ્ચે વાતચીત આગળ વધી અને આરોપી રહેમાને સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. ત્યારબાદ એક દિવસ આરોપીએ સગીરાને રાત્રિના સમયે પોતાના ઘરે બોલાવી હતી, જ્યાં તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આટલેથી નહીં અટકીને, હવસખોર રહેમાને ત્યારબાદ પણ અલગ-અલગ સમયે વધુ ત્રણેક વાર સગીરાને પોતાના ઘરે બોલાવીને તેની સાથે કુકર્મ આચર્યું હતું. આરોપીના આ પાશવી કૃત્યના કારણે સગીરાને ગર્ભ રહી ગયો હતો.
પુત્રીએ સમગ્ર હકીકત જણાવતા જ રોષે ભરાયેલા માતા-પિતા તાત્કાલિક ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને દોડી ગયા હતા અને સગીરાનું જીવન બરબાદ કરી નાખનાર રહેમાન વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.
