સુરતના તબીબે રેગિંગથી કંટાળી જીવ દઇ દીધો, 4 સિનિયર ડોકટરો સસ્પેન્ડ

નવી સિવિલ હોસ્પિટલમાં ડોકટરના આપઘાતની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો, હોસ્પિટલ તંત્ર સામે ગંભીર આક્ષેપો સુરતની નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં 30 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરના રહસ્યમય આપઘાતમાં ચોંકાવનારો…

નવી સિવિલ હોસ્પિટલમાં ડોકટરના આપઘાતની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો, હોસ્પિટલ તંત્ર સામે ગંભીર આક્ષેપો

સુરતની નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં 30 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરના રહસ્યમય આપઘાતમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ અને કોલેજ તંત્રની તપાસમાં મૃતક હર્ષ પંડ્યાનું 4 સિનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. રેગિંગનો ખુલાસો થતાં જ ચારેય આરોપી સિનિયર વિદ્યાર્થીઓને 6 મહિના માટે હોસ્પિટલ, હોસ્ટેલ તેમજ તમામ ટીચિંગ એક્ટિવિટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાએ 9 ઓગસ્ટે હોસ્ટેલમાં આપઘાત કરી લીધો. બનાવની જાણ થતાં જ અરવલ્લી જિલ્લાના મોડાસાથી તેમના પિતા, પિતરાઈ ભાઈ સહિતના સ્વજનો તાત્કાલિક સુરત સિવિલ દોડી આવ્યા હતા. આ ઘટનામાં રેસિડેન્ટ તબીબોનું રેગિંગ થતું હોવાનું મુદ્દો ઉછળ્યો હતો અને મૃતકના પરિવારજનોએ પણ રેગિંગથી જ હર્ષે આપઘાત કર્યાનો આક્ષેપો કર્યા હતો.

પિતરાઈ ભાઈ ધર્મેન્દ્ર પંડ્યાએ જણાવ્યું કે, ડો. હર્ષ છેલ્લા છ મહિનાથી અહીં પીજીના ફર્સ્ટ ઈયરમાં અભ્યાસ કરી રહ્યો હતો. તે બહુ શાંત, જવાબદાર અને પ્રામાણિક હતો. હર્ષની થોડા મહિના પહેલાજ સગાઈ થઈ હતી. તેણે પોતાનો MBBSનો અભ્યાસ ફિલિપાઈન્સથી પૂર્ણ કર્યો હતો અને ત્યારબાદ સારી નોકરી પણ કરી હતી. તેમના પિતા ધનસુરા સિવિલ હોસ્પિટલમાંથી ક્લાસ-1 M.S.જનરલ સર્જન તરીકે નિવૃત્ત થયેલા છે અને તેમણે પોતે પણ સુરત હોસ્પિટલમાંથી જ અભ્યાસ કર્યો હતો. ડો. હર્ષના પરિવારમાં માતા-પિતા અને એક બહેન છે.
વધુમાં ધર્મેન્દ્ર પંડ્યાએ કહ્યું કે, હર્ષના સાથી વિદ્યાર્થીઓ અને કલીગ્સના નિવેદનો પરથી તેમના સિનિયરોની ટોક્સિસિટી અને માનસિક ત્રાસ સામે આવી રહ્યો છે. સીનિયરોના દબાણ કે માનસિક ત્રાસના કારણે જ હર્ષે આવું આત્યંતિક પગલું ભર્યાની તેઓને શંકા હતી, જે તપાસમાં સાચી ઠરી.

મૃતકના સંબંધી શૈલેષ પાઠકે જણાવ્યું કે, શરૂૂઆતમાં આઘાત અને માનસિક સ્થિતિ ઠીક ન હોવાને કારણે પરિવારે પોસ્ટમોર્ટમ કરવાની મંજૂરી આપી દીધી હતી, પરંતુ બાદમાં શંકા જતાં તેમણે ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાં રૂૂબરૂૂ રજૂઆત કરી રિ-પીએમ અને ફોરેન્સિક પીએમની માગણી કરી હતી. હાલ પીએમ અને ઋજક તપાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ચાર સિનિયર ડોક્ટરને સસ્પેન્ડ કર્યા પહેલાં શૈલેષ પાઠકે દાવો કર્યો હતો કે, આ 100 ટકા રેગિંગનો જ કેસ છે. મૃતક તબીબ મજબૂત મનોબળ ધરાવતો હતો અને તે પંખા પર લટકીને આત્મહત્યા કરે તેવો નહોતો. જ્યારે તે રૂૂમમાંથી બહાર ન આવ્યો ત્યારે તેના મિત્રોએ તપાસ કરીને દરવાજો તોડ્યો ત્યારે તે પંખા પર લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. આ સમગ્ર બાબત અત્યંત શંકાસ્પદ છે અને સાચું સત્ય રી-પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે.

તેમણે તંત્ર પાસે માગ કરી કે, આ સમગ્ર મામલે જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય, જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. અન્ય વિદ્યાર્થીઓએ પણ એચઓડી સમક્ષ ઉપલા વર્ષના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા થતા માનસિક ત્રાસ, ટોર્ચરિંગ અને હેરાનગતિ અંગે વારંવાર રજૂઆતો કરી હતી. સિનિયરો અડધો-અડધો કલાક સુધી ટોર્ચર કરીને અપમાનજનક શબ્દો બોલતા હોવા છતાં એચઓડીએ આડા કાન કર્યા હતા. સિવિલમાં માત્ર તપાસ કમિટીઓ રચાય છે, પરંતુ કોઈ ઉકેલ આવતો નથી અને મા-બાપ પોતાના વહાલસોયા દીકરાને ગુમાવી દે છે.

આરોગ્યમંત્રીના આદેશ બાદ તપાસ કમિટીની રચના કરાઇ

સુરતની નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં રેસિડેન્ટ ડોક્ટરના આપઘાત કેસમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના આદેશ બાદ વહીવટી તંત્ર તાબડતોબ એક્શન મોડમાં આવી ગયું છે. સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ અને ડીનની અધ્યક્ષતામાં એક વિશેષ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, જેને 24 કલાકમાં વિગતવાર રિપોર્ટ આપવા કડક સૂચના અપાઈ છે. ગાંધીનગરના નિયામક સચદેવને તપાસની સીધી દેખરેખ સોંપાઈ છે. મંત્રીએ મૃતક ડોક્ટરના પિતા સાથે ટેલિફોનિક વાતચીત કરી પરિવારને સાંત્વના પાઠવી ન્યાયની ખાતરી આપી હતી.

અગાઉ પણ ડો.અંકિતને 17-17 કલાક કામ કરાવાતા મોત થયું હતું
મૃતકના પિતાએ તંત્ર સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલમાં આવી ઘટનાઓ વારેવારે બન્યા કરે છે. આ પહેલાં પણ ચોથા વર્ષમાં અભ્યાસ કરતા અંકિત નામના તબીબ પાસે 17-17 કલાક સતત કામ કરાવવામાં આવતું હતું અને તે બેઠો-બેઠો જ અવસાન પામ્યો હતો. તે પણ પોતાના મા-બાપનો એકનો એક દીકરો હતો, જેમના પિતાએ લોન અને દેવું કરીને તેને ભણાવ્યો હતો. આ પ્રકારની ઘટનાઓ બન્યા બાદ માત્ર કમિટીઓ જ બેસાડવામાં આવે છે, પરંતુ કોઈ પણ વિદ્યાર્થી કે જવાબદાર વ્યક્તિને સજા કરવામાં આવતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *