જેતપુરના કારખાનેદાર સાથે રૂા.35.40 લાખની છેતરપિંડી

જેતપુરના એક સાડી ઉત્પાદક વેપારી સાથે કોલકાતાના કાપડ દલાલ અને પશ્ચિમ બંગાળ તથા ઝારખંડની 6 જેટલી વેપારી પેઢીઓએ મળીને રૂૂ. 35,40,366 ની માતબર રકમની છેતરપિંડી…

જેતપુરના એક સાડી ઉત્પાદક વેપારી સાથે કોલકાતાના કાપડ દલાલ અને પશ્ચિમ બંગાળ તથા ઝારખંડની 6 જેટલી વેપારી પેઢીઓએ મળીને રૂૂ. 35,40,366 ની માતબર રકમની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ અંગે જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જેતપુરના નવાગઢ વિસ્તારમાં શંકરના મંદિર સામે રહેતા અને રબારીકા રોડ, ઉદ્યોગનગર ખાતે આવેલ ’શ્રી ગોપાલ ટેક્ષટાઇલ’ નામનું સાડી પ્રિન્ટીંગનું કારખાનું ચલાવતા રિંકેશકુમાર હરીભાઇ ભુવાએ દલાલ મુકેશકુમાર અગ્રવાલ તેમજ ગણપતિ સારી (કોલકાતા), આશિર્વાદ એન્ટરપ્રાઇઝ (કોલકાતા),મુન્ના ફેબ્રીક (કોલકાતા), એસએસ ટ્રેડીંગ કો. (હાવરા),માં વૈષ્ણવી ટેક્ષટાઇલ (દેવઘર, ઝારખંડ),ભગવતી એન્ટરપ્રાઇઝ (હાવરા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ અગાઉ રિંકેશકુમારનો સંપર્ક કોલકાતાના બુરાબજાર ખાતે ’ગજાનંદ ટેક્ષટાઇ એજન્સી’ ધરાવતા દલાલ મુકેશકુમાર અગ્રવાલ સાથે થયો હતો. મુકેશકુમારે ટેલિફોનિક વાતચીતમાં રિંકેશકુમારને વિશ્વાસમાં લેતા જણાવ્યું હતું કે, “હું કાપડની દલાલીનું કામ કરું છું અને મારી પાસે ઘણા મોટા વેપારીઓ છે.

હું તમારો માલ સારા ભાવે વેચાવી દઈશ અને 60 દિવસમાં તમારું પેમેન્ટ પણ અપાવી દઈશ.” દલાલ મુકેશકુમાર અગ્રવાલના કહેવાથી રિંકેશકુમારે જૂન-2025 થી ડિસેમ્બર-2025 દરમિયાન અલગ-અલગ તારીખોમાં પશ્ચિમ બંગાળ અને ઝારખંડની વિવિધ 6 વેપારી પેઢીઓને કુલ રૂૂ. 50,71,452 ની કિંમતનો તૈયાર સાડીનો માલ ઉધારે મોકલી આપ્યો હતો. જોકે, આ તમામ પેઢીઓએ મળીને રિંકેશકુમારના બેંક ખાતામાં માત્ર રૂૂ. 15,31,086 જ કટકે-કટકે ટ્રાન્સફર કર્યા હતા અને બાકીના રૂૂ. 35,40,366 ની રકમ ચૂકવી ન હતી. જેમાં ગણપતિ સારી (કોલકાતા): રૂૂ. 13,69,149 નો માલ મોકલ્યો, જેમાંથી રૂૂ. 3,81,000 ચૂકવ્યા; બાકી લેણાં રૂૂ. 9,88,149, આશિર્વાદ એન્ટરપ્રાઇઝ (કોલકાતા): રૂૂ. 17,25,413 નો માલ મોકલ્યો, જેમાંથી રૂૂ. 7,90,386 ચૂકવ્યા; બાકી લેણાં રૂૂ. 9,35,027, મુન્ના ફેબ્રીક (કોલકાતા): રૂૂ. 8,22,730 નો માલ મેળવ્યો, પરંતુ આજદિન સુધી એકપણ રૂૂપિયો ચૂકવ્યો નથી; બાકી લેણાં રૂૂ. 8,22,730,એસએસ ટ્રેડીંગ કો. (હાવરા): રૂૂ. 4,41,000 નો માલ મોકલ્યો, જેમાંથી માત્ર રૂૂ. 60,000/- ચૂકવ્યા; બાકી લેણાં રૂૂ. 3,81,700, માં વૈષ્ણવી ટેક્ષટાઇલ (દેવઘર, ઝારખંડ): રૂૂ. 4,73,760 નો માલ મોકલ્યો, જેમાંથી રૂૂ. 1,80,000 ચૂકવ્યા; બાકી લેણાં રૂૂ. 2,93,760, ભગવતી એન્ટરપ્રાઇઝ (હાવરા): રૂૂ. 2,39,400 નો માલ મોકલ્યો, જેમાંથી રૂૂ. 1,19,700 ચૂકવ્યા; બાકી લેણાં રૂૂ. 1,19,700 મામલે જ્યારે ફરિયાદી રિંકેશકુમારે દલાલ મુકેશકુમાર અગ્રવાલ અને પેઢીના માલિકોનો સંપર્ક કર્યો, ત્યારે તેઓ અવારનવાર “10 દિવસમાં પૈસા આપી દઈશું” તેવા ખોટા વાયદા કરતા હતા.

મુન્ના ફેબ્રીકના માલિકે તો “વધુ માલ મોકલો તો જ જૂનું પેમેન્ટ કરીશ” તેવી શરત મૂકી હતી. ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે દલાલે વોટ્સએપ પર ’બંધન બેંક’ અને ’ઇન્ડિયન ઓવરસીઝ બેંક’ના ચેકના ફોટા પણ મોકલ્યા હતા. પરંતુ સમય વીતવા છતાં આ ચેકના નાણાં ફરિયાદીના ખાતામાં જમા થયા ન હોતા.

નાણાં પરત મેળવવાના તમામ પ્રયાસો નિષ્ફળ જતાં અને પોતાની છેતરપિંડી થઈ હોવાનું સ્પષ્ટ થતાં, રિંકેશકુમારે આખરે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દલાલ મુકેશકુમાર અગ્રવાલ સહિત તમામ 7 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. આ કેસની આગળની વધુ તપાસ પીએસઆઈ કે. બી. ગઢવી ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *