રાજકોટમાંથી 12,000 જીલેટીન સ્ટીક, 4000 ડીટોનેટર પકડાયા

રાજકોટ-ગોંડલ હાઇવે પર કોઠારીયા સોલ્વન્ટ પાસે આવેલી શિવ હોટલ સામેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ ની ટીમને સાથે રાખીને એક બોલેરો પીકઅપ…

રાજકોટ-ગોંડલ હાઇવે પર કોઠારીયા સોલ્વન્ટ પાસે આવેલી શિવ હોટલ સામેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ ની ટીમને સાથે રાખીને એક બોલેરો પીકઅપ ગાડીમાંથી મોટી માત્રામાં ગેરકાયદેસર રીતે વહન કરાતો વિસ્ફોટક સામાન ઝડપી પાડ્યો છે. બોલેરો પીકઅપ ગાડીમાંથી વિસ્ફોટક સામાનમાં 1500 કિલોગ્રામની 12000 જીલેટીન સ્ટીક તેમજ 4000 નંગ એક્સપ્લોજીવ ડીટોનેટર કુલ તથા 30 બંડલ બ્લાસ્ટીંગ કેબલ મળી કુલ .રૂૂ.5,95,000 ના જથ્થા સાથે ડ્રાઈવરને ઝડપી લઇ વિસ્ફોટક સામાન પુરો પાડનાર અને મંગાવનાર અન્ય બે આરોપીઓને પકડી પાડવા માટે તપાસ ચક્ર ગતિમાન કર્યા છે.

ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, ગોંડલ હાઇવે પરથી વિસ્ફોટક પદાર્થો ભરેલી એક બોલેરો ગાડી પસાર થવાની છે. બાતમીના આધારે પોલીસે કોઠારીયા સોલ્વન્ટ નજીક શિવ હોટલ સામે વોચ ગોઠવીને શંકાસ્પદ બોલેરો નંબર જીજે-03 બીવી 1411 પીકઅપ ગાડીને આંતરી તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. સુરક્ષાના કારણોસર બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ ની ટીમને પણ સાથે રાખીને તમામ સામાન કબ્જે કરવામાં આવ્યો હતો.

બોલેરો માંથી જીલેટીન સ્ટીક: કુલ 12,000 નંગ (કુલ વજન 1500 કિલોગ્રામ) કિંમત રૂૂ. 2,40,000,એક્સપ્લોજીવ ડીટોનેટર: કુલ 4,000 નંગ કિંમત રૂૂ. 40,000, બ્લાસ્ટીંગ કેબલ: કુલ 30 બંડલ કિંમત રૂૂ. 15,000 અને મહાઇન્દ્રા બોલેરો પીકઅપ ગાડી કિંમત રૂૂ. 3,00,000 મળી કુલ રૂૂ. 5,95,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ વિસ્ફોટક સાથે ઘટનાસ્થળેથી બોલેરોના ડ્રાઇવર મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના છતરીયાળા ગામનો વતની અને હાલ રાજકોટના શીતળાધાર મફતીયાપરા, મેલડીમાના મંદિરથી આગળ, ભાડેથી કોઠારીયા સોલ્વન્ટ રહેતો દોલાભાઇ રઘુભાઇ મીરની ધરપકડ કરી પુછપરછ કરતા આ વિસ્ફોટકનો જથ્થો મીતુલ નામના શખ્સે સપ્લાય કર્યો હતો મિતુલ પાસ થી થાનગઢ જામવાડીના હિરાભાઇ ઉર્ફે હિરેન વિઠ્ઠલભાઇ અલગોતરે આ વિસ્ફોટક સામાન મંગાવ્યો હતો.

આટલી મોટી માત્રામાં બિનઅધિકૃત વિસ્ફોટક સામગ્રી ઝડપાતા રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે એક્સપ્લોજીવ એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આટલો મોટો વિસ્ફોટક જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને થાનગઢ વિસ્તારમાં તેનો ઉપયોગ ગેરકાયદે ખનન કે અન્ય કોઈ પ્રવૃત્તિ માટે થવાનો હતો કે કેમ.

પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમીશ્નર ચૈતન્ય માંડલીક, ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા તથા એસીપી (ક્રાઇમ) બી.બી.બસીયાની સુચના ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એ.એસ.ચાવડા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ, પી.એસ.આઇ. એ.એન.પરમાર, એ.એસ.આઇ. અનીલભાઇ સુરેશભાઇ સોનારા, હેડ કોન્સ્ટેબલ કનકસિંહ મોબતસિંહ સોલંકી, ગિરીરાજસિંહ સજ્જનસિંહ જાડેજા, સુભાષભાઇ સોંડાભાઇ ઘોઘારી તેમજ કોન્સ્ટેબલ હરપાલસિંહ દલપતસિંહ જાડેજા અને રાજેશભાઇ દેવરાજભાઇ ચાવડા દ્વારા કરવામાં આવી હતી. ઉપરાંત, બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ ટીમના પી.એસ.આઇ. ડી.બી.પરમાર અને તેમની ટીમે પણ આ કામગીરીમાં કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *