જામનગરમાં કચરો વીણતી મહિલાને બાઇક ચાલકે ઉલાળતા મોત

ધ્રાંગડા ગામે શ્રમિક પરિણીતાએ વતનમાં જવાની જીદ સાથે ઝેર પી જીવન ટૂંકાવ્યું જામનગરમાં નવી કોર્ટવાળા રોડ પર વિશ્વકર્માની વાડી પાસે કચરો વીણતી મહિલાને પુરઝડપે અને…

ધ્રાંગડા ગામે શ્રમિક પરિણીતાએ વતનમાં જવાની જીદ સાથે ઝેર પી જીવન ટૂંકાવ્યું

જામનગરમાં નવી કોર્ટવાળા રોડ પર વિશ્વકર્માની વાડી પાસે કચરો વીણતી મહિલાને પુરઝડપે અને બેદરકારીપૂર્વક મોટરસાયકલ ચલાવી આવેલા બાઇકચાલકે હડફેટે લેતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ મોટરસાયકલચાલક વાહન સાથે નાસી જતાં પોલીસે તેની સામે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગે ઇન્દિરા કોલોની, ખેતીવાડી શેરી નં.4માં રહેતા અને મજૂરી કામ કરતા ભરતભાઈ રાજુભાઈ ખીમસુર્યાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ભરતભાઈની માતા કલીબેન રાજુભાઈ ખીમસુર્યા (ઉં.વ.47) કચરો વીણવાનું કામ કરતા હતા. તા.8 ઓગસ્ટના રોજ બપોરે આશરે સવા અગિયાર વાગ્યાના અરસામાં તેઓ નવી કોર્ટવાળા રોડ પર વિશ્વકર્માની વાડી પાસે રોડ પર કચરો વીણી રહ્યા હતા. તે દરમિયાન જીજે-10-ડીક્યુ-0453 નંબરના મોટરસાયકલના ચાલકે પોતાનું વાહન પુરઝડપે, બેફિકરાઈથી અને ગફલતભરી રીતે ચલાવી કલીબેનને ઠોકર મારી હતી. અકસ્માતમાં કલીબેનને માથામાં ગંભીર ઇજા ઉપરાંત શરીરે છોલછાલની ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ મોટરસાયકલચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી નાસી ગયો હતો.

અકસ્માતની જાણ થતાં કલીબેનને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન ભરતભાઈને બનાવની જાણ થતાં તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં કલીબેન સ્ટ્રેચર પર ગંભીર હાલતમાં પડ્યા હતા અને માથામાંથી લોહી નીકળતું હતું. ફરજ પરના તબીબે તપાસ બાદ કલીબેનને મૃત જાહેર કર્યા હતા.

શ્રમીક મહિલાઓ આપઘાત
જામનગર તાલુકાના ધ્રાંગડા ગામે વાડી વિસ્તારમાં રહેતી 23 વર્ષની પરપ્રાંતીય યુવતીએ ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પંચ-એ પોલીસ મથકમાં બી.એન.એસ.એસ. કલમ 194 મુજબ અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે.

પોલીસમાં જાહેર કરાયેલી વિગતો મુજબ મલકીબેન વિકેશભાઈ બાંભણીયા (ઉ.વ.23) મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના એરામ ગામના વતની હતા અને હાલ ધ્રાંગડા ગામે વાડીમાં રહેતા હતા. મલકીબેનને પોતાના વતનમાં આંટો મારવા જવું હતું, પરંતુ પતિ વિકેશભાઈ પાસે હાલ પૈસા ન હોવાથી તેમણે જવાની ના પાડી હતી. આ બાબતે માઠું લાગી આવતા મલકીબેને ગત તા.3 ઓગસ્ટે પોતાની રીતે ઝેરી દવા પી લીધી હતી.
ઝેરી દવા પીધા બાદ તેમને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તા.9 ઓગસ્ટે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પંચ-એ પોલીસ મથકના પોલીસ સબ ઈન્સ્પેક્ટર એ.આર. પરમારે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *