રાજકોટ જિલ્લામાં તાજેતરમાં જ નિમણૂક પામેલા 82 નવિયુક્ત તલાટી કમ મંત્રીઓની નિયમિત પાયાની તાલીમ હજુ પૂર્ણ થઈ નથી, પરંતુ તે પહેલાં જ જિલ્લા તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જમીન માપણી અને સીમાંકનની કામગીરીને વેગ આપવા માટે આ 82 પૈકીના 60 તલાટીઓને તાત્કાલિક અસરથી વિશેષ કામગીરીમાં ફાળવી દેવામાં આવ્યા છે.
જમીન સીમાંકનની આ કામગીરી માટે પસંદ કરાયેલા 60 તલાટીઓને રાજકોટ જિલ્લાના ત્રણ મહત્વના અને જરૂૂરિયાતવાળા તાલુકાઓમાં સમાન ધોરણે વહેંચવામાં આવ્યા છે. જેમાં પડધરી, લોધિકા અને કોટડાસાંગાણી તાલુકામાંથી પ્રત્યેકમાં 20-20 તલાટીઓને જવાબદારી સોંપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા નિમાયેલા આ કર્મચારીઓ હાલ પોતાની પાયાની તાલીમ મેળવી રહ્યા હતા, પરંતુ મહેસૂલી અને જમીન સીમાંકનની કામગીરીનું ભારણ ઘટાડવા માટે તેમને પુસ્તકીય જ્ઞાનની સાથે-સાથે સ્થળ પર જ પ્રાયોગિક તાલીમ (ઓન-ફીલ્ડ ટ્રેનિંગ) પણ મળી રહે તે હેતુથી આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જિલ્લા તંત્રના આ પગલાથી પડધરી, લોધિકા અને કોટડાસાંગાણી વિસ્તારના ગ્રામ્ય અરજદારોના જમીન માપણી અને સીમાંકનને લગતા લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોનો ઝડપી નિકાલ આવશે તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. ગામડાઓમાં જમીનને લગતા વિવાદોનો અંત લાવવા અને સીમાંકનની કામગીરી સમયસર પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા આ સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે.
