આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટને વૈશ્વિક સ્તરે વધુ પ્રભાવશાળી બનાવવા માટે ગુજરાત સરકારે તૈયારીઓ તેજ કરી છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ દેશોમાં રોડ શો યોજવાની યોજના ઘડવામાં આવી રહી છે. આ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાના પ્રવાસે જઈ રોકાણકારો અને ઉદ્યોગજગત સાથે સંવાદ કરશે. સરકાર ટૂંક સમયમાં સમગ્ર વિદેશ પ્રવાસ અને રોડ શોના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતા છે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલઅમેરિકા અને કેનેડાના વિવિધ શહેરોમાં રોડ શો કરીને વૈશ્વિક રોકાણકારોને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રિત કરશે.આ રોડ શોનો મુખ્ય હેતુ ગુજરાતને રોકાણ, ઉદ્યોગ, ટેક્નોલોજી અને નવી તકો માટે વૈશ્વિક ગંતવ્ય તરીકે રજૂ કરવાનો છે.
મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યના અન્ય મંત્રીઓ પણ વિવિધ દેશોની મુલાકાત લેશે.ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જાપાન અને યુરોપના પ્રવાસે જશે. મંત્રી અર્જુન મોઢવડીયા પણ વિદેશ પ્રવાસ કરીને રોકાણકારો સાથે બેઠક કરશે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ પણ વાયબ્રન્ટ ગુજરાતના પ્રચાર માટે વિદેશ પ્રવાસ કરશે. આ તમામ પ્રવાસનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય રોકાણકારો, ઉદ્યોગપતિઓ અને વેપાર સંગઠનો સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવાનો છે.
વાયબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓને વધુ સુવ્યવસ્થિત બનાવવા રાજ્ય સરકારે બે મહત્વપૂર્ણ કમિટીઓની રચના કરી છે. ડેપ્યુટી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં 26 સભ્યોની કોર કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી સમગ્ર આયોજન અને નીતિગત નિર્ણયો પર દેખરેખ રાખશે. જયારે બીજી મુખ્ય સચિવની અધ્યક્ષતામાં 22 અધિકારીઓની એક્ઝિક્યુટિવ કમિટી રચવામાં આવી છે, જે કાર્યક્રમના અમલીકરણ, સંકલન અને વિવિધ વિભાગો વચ્ચે સુમેળ જાળવવાની જવાબદારી સંભાળશે.
હાલ સરકાર દ્વારા વિદેશ પ્રવાસની રૂૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. રોડ શોના સ્થળો, તારીખો અને પ્રતિનિધિમંડળ અંગેની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવે તેવી શક્યતા છે.ગુજરાત સરકારને આશા છે કે આ આંતરરાષ્ટ્રીય અભિયાન દ્વારા રાજ્યમાં વધુ વિદેશી રોકાણ આકર્ષવામાં અને નવા ઔદ્યોગિક કરારોને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે.
