શહેરના કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલા સુભાષનગર મેઇન રોડ પર સ્ટ્રીટ નંબર 7માં નેહા હોલની પાછળ અને કેશવ વિદ્યાલયની બાજુમાં આવેલ એક રહેણાંક મકાનમાં ગત તા.8ના રોજ રાત્રિના સમયે એક આગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ, મકાનની અંદર પાર્ક કરવામાં આવેલા અથવા રાખવામાં આવેલા ઇલેક્ટ્રિક બાઇકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે ટૂંકા સમયમાં જ આખી ઘરમાં ગાઢ ધૂમાડો ફેલાઈ ગયો હતો અને ભયનો માહોલ છવાઈ ગયો હતો. મકાનની અંદર કુલ 6 જેટલા વ્યક્તિઓ ફસાયેલા હોવાથી પરિસ્થિતિ અત્યંત ગંભીર અને જોખમી બની ગઈ હતી, પરંતુ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા મોટી હોનારત ટળી ગઈ હતી.
આગની આ ભયાનક ઘટનાની જાણ થતાં જ રાજકોટ મહાનગરપાલિકાના કોઠારીયા ફાયર સ્ટેશન અને નાગરિક બેંક ફાયર સ્ટેશનની રેસ્ક્યુ ટીમો પોતાની ગાડી સહિત અન્ય ફાયર બ્રિગેડ વાહનો સામેલ હતા સાથે ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ઓફિસર એમ. એમ. શેખ, કે. બી. ગોસ્વામી તેમજ નાગરિક બેંક ફાયર સ્ટેશનના એસ.ઓ. નારજુભાઈ પરમાર અને ડ્રાઇવર શક્તિસિંહ જાડેજા સહિતના કુશળ ફાયર જવાનોએ તાત્કાલિક મોરચો સંભાળી લીધો હતો. સ્થળ પર પહોંચીને ફાયર ટીમે જોયું તો મકાનમાં ભારે ધૂમાડો હોવા છતાં અંદર પરિવારના સભ્યો ફસાયા હોવાનું જણાયું હતું, જેથી બચાવ કામગીરીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી હતી. ફાયર સ્ટાફના જવાનોએ અદભુત સાહસ અને સૂઝબૂઝ દાખવીને મકાનની અંદર ફસાયેલા તમામ 06 વ્યક્તિઓને એક પછી એક સહીસલામત રીતે બહાર કાઢી લીધા હતા.
આ દુર્ઘટનામાં મકાનની અંદર ફસાયેલા અને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાયેલા સભ્યોમાં હરેશભાઈ ધીરુભાઈ કંડોલીયા (ઉ.વ. 43), નિતાબેન હરેશભાઈ કંડોલીયા (ઉ.વ. 42), સોહન હરેશભાઈ (ઉ.વ. 17), અલ્પાબેન જયેશભાઈ(ઉ.વ. 32), કરમભાઈ જયેશભાઈ (ઉ.વ. 08) અને નિરવાબેન હરેશભાઈ (ઉ.વ. 10) નો સમાવેશ થાય છે. ફાયર વિભાગના જવાનોએ તમામ લોકોને બહાર કાઢ્યા બાદ તુરંત જ ઇલેક્ટ્રિક બાઇકમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવીને આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી અને આગને આસપાસના વિસ્તારોમાં કે અન્ય ભાગોમાં વધુ ફેલાતી અટકાવી હતી. સમયસર અને સચોટ કામગીરીના કારણે કોઈ પણ પ્રકારની જાનહાની કે ગંભીર ઈજા થવા પામી ન હતી, જેણે સમગ્ર પરિવાર તેમજ સ્થાનિક રહેવાસીઓને મોટી રાહત આપી હતી.
આ કામગીરીમાં કોઠારીયા રોડ અને નાગરિક બેંક ફાયર સ્ટેશનના તમામ કર્મચારીઓનું યોગદાન નોંધપાત્ર રહ્યું હતું. જેમાં વિક્રમભાઈ ચોસલા,કમલેશભાઈ પરનાડીયા, દશરથભાઈ, મેહુલભાઈ ચિહલા, પ્રદિપભાઈ રાઠવા, વિજયભાઈ ચોસલા તેમજ ડ્રાઇવરો ચંદુભાઈ,ભરતભાઈ,જયદીપગીરી, અર્જુનભાઈ ભરવાડ,રવિન્દ્રસિંહ ચાવડા,નિલેશભાઈ પરનાડીયા, મુકેશભાઈ બારીયા, રોહિતસિંહ પરમાર અને નાગરિક બેંક સ્ટેશનના હિમાંશુભાઈ, મેહુલભાઈ અણિયારીયા, વિશાલભાઈ બારૈયા, કલ્પેશભાઇ,સુનિલભાઈ,અને સચીનભાઈ વનાડિયા વગેરેએ ખડેપહેરે કામગીરી કરી હતી. મકાનમાં આગના કારણે માલસામાનનું કેટલું નુકસાન થયું છે તેની ચોક્કસ આંકડાકીય માહિતી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી.
