વાંકાનેરના કોટડા નાયાણીમાં પાણીના પ્રવાહમાં રિક્ષા તણાતા પિતાનું મોત: પુત્રની શોધખોળ

વાંકનેર તાલુકાના કોટડા નાયણી ગામ પાસે આવેલા નદીના પુલ પર એક અત્યંત હૃદયદ્રાવક અને કરુણ ઘટના સામે આવી છે. નદીના કોઝવે પરથી પાણી ધસમસતા પ્રવાહ…

વાંકનેર તાલુકાના કોટડા નાયણી ગામ પાસે આવેલા નદીના પુલ પર એક અત્યંત હૃદયદ્રાવક અને કરુણ ઘટના સામે આવી છે. નદીના કોઝવે પરથી પાણી ધસમસતા પ્રવાહ સાથે વહી રહ્યું હતું. આ ભયજનક પરિસ્થિતિ વચ્ચે પણ નદીના પુલ પરથી પસાર થઈ રહેલા પિતા અને તેમના ચાર વર્ષના માસૂમ પુત્ર પાણીના રૌદ્ર સ્વરૂૂપ સામે ઓઝલ થઈ ગયા હતા. પાણીના અતિ તીવ્ર પ્રવાહમાં તેમની રિક્ષા તણાઈ જતાં પિતા-પુત્ર બંને પાણીના ઊંડાણમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાં પિતાનું મોત નિપજયું હતું. જયારે પુત્રની શોધખોળ હાથ ધરી છે.

આ અંગે મળતી વિગતો મુજબ, મૂળ રાજકોટના હડાળા ગામના પાટિયા પાસે રહેતા 38 વર્ષીય સિરાજભાઈ અમીશાભાઈ સંધી પોતાના 4 વર્ષના માસૂમ પુત્ર કાસિમ સાથે પોતાની રિક્ષા લઈને જઈ રહ્યા હતા. જ્યારે તેઓ વાંકનેરના કોટડા નાયણી ગામ પાસે આવેલ નદીના કોઝવે પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કોઝવે પર પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ અને ભયાનક હતો.

પાણીના ભારે વહણને ગંભીરતાથી લીધા વિના રિક્ષા આગળ ધપાવતાં જ રિક્ષા પરનો કાબૂ છૂટી ગયો હતો અને પાણીના જોરદાર વહેણમાં આખી રિક્ષા તણાઈ ગઈ હતી. આ બનાવ બનતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા અને તુરંત જ સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી. ઘટના બાદ હાથ ધરાયેલા રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 38 વર્ષીય પિતા સિરાજભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો, જેનાથી પરિવારમાં ભારે અરેરાટી અને કકળાટ છવાઈ ગયો છે.

જોકે, તેમના 4 વર્ષના નાનકડા પુત્ર કાસિમનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી. સ્થાનિક તંત્ર, તરવૈયાઓ અને બચાવ ટુકડીઓ દ્વારા માસૂમ કાસિમની શોધી કાઢવા માટે સઘન શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *