રાજકોટ સહીત ગુજરાતમાં આગામી ત્રણ દિવસ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.જેના પગલે વહીવટીતંત્ર સાથે પોલીસ તંત્ર પણ સજ્જ થયું છે. જેમાં નાગરિકોના જાનમાલના રક્ષણ માટે ગુજરાત પોલીસ દ્વારા વ્યાપક અને આયોજનબદ્ધ પૂર્વતૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહીને પગલે નાગરિકોના જાનમાલના રક્ષણ માટે પોલીસ દ્વારા વ્યાપક અને આયોજનબદ્ધ પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા અને જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના અધ્યક્ષસ્થાને આજે તાકીદે એક બેઠક યોજાઈ હતી. જેમાં રાજકોટ શહેર અને જિલ્લાના તમામ પોલીસ મથકના પી.આઈ સહીતન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ પી.આઈને તેમના વિસ્તારમાં વરસાદની આગાહીને પગલે સતર્ક રહેવા સૂચનાઓ આપવામાં આવી છે.
તેમજ ખાસ કરીને જરૂૂર પડ્યે નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવવા પોલીસ ટુકડીને તૈનાત રાખવા સુચના આપવામાં આવી હતી. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાના અધ્યક્ષસ્થાને આજે યોજાયેલી આ તાકીદની બેઠકમાં અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલિક, ડીસીપી ઝોન-1 હેતલ પટેલ.ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી ટ્રાફિક હરપાલસિંહ જાડેજા સહીતના તમામ એસીપીએ તેમજ તમામ પોલીસ મથકના પી.આઈ ઉપસ્થિત રહ્યા હતા.
પોલીસ કમિશ્નર દ્વારા મીટીંગમાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફ. અને એસડીઆરએફની ટીમો સાથે સંકલન સાધીને સ્થાનિક પોલીસને પણ કામગીરીમાં જોડવામાં સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાંથી નાગરિકોની સાથે પશુધનને પણ સુરક્ષિત સ્થળે ખસેડવા માટે વહીવટી તંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન, વન વિભાગ, માર્ગ-મકાન વિભાગ અને વીજ કંપનીઓ સાથે મળીને સંયુક્ત ’ઇવેક્યુએશન પ્લાન’ પણ અમલમાં મૂકવામાં આવ્યો છે.
સ્થળાંતરિત કરાયેલા નાગરિકો માટે બનાવેલા રાહત કેન્દ્રો પર ખોરાક, શુદ્ધ પીવાનું પાણી, વીજળી અને ખાસ કરીને મહિલાઓ, બાળકો તથા વરિષ્ઠ નાગરિકો માટે સુરક્ષિત આશ્રયસ્થાનો સુનિશ્ચિત કરવા તાકીદ કરવામાં આવી છે. આગામી 24થી 48 કલાક દરમિયાન તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અત્યંત સજાગ રહેવા સુચના સાથે ઈમરજન્સી સિવાય તમામ સ્ટાફની રજા રદ કરવામાં આવી છે. રાજકોટના નાગરિકોની સુરક્ષા માટે ઝડપી અને નિવારક પગલાં લેવા આદેશ આપવામાં આવ્યા છે.
ભયજનક રસ્તાઓ બંધ કરવા અને ટ્રાફિક નિયમન માટે ખાસ વ્યવસ્થા
ભારે વરસાદ દરમિયાન વાહનવ્યવહાર ખોરવાય નહીં તે માટે ખાસ વ્યવસ્થા કરવા સુચના આપવામાં આવી હતી. રાજકોટને જોડતા ધોરીમાર્ગો અને શહેરના ભયજનક રસ્તાઓ ઉપર પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વરસાદને કારણે રસ્તામાં બંધ પડેલા વાહનોને ખસેડવા ક્રેનની સુવિધાઓ અને જરૂૂર પડ્યે વૈકલ્પિક રસ્તાઓની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. જનજાગૃતિ માટે પોલીસને પબ્લિક એડ્રેસ સિસ્ટમ, સોશિયલ મીડિયા અને લોકલ નેટવર્ક દ્વારા નાગરિકોને જર્જરીત મકાનો, વીજળીના થાંભલા કે નદી-નાળાથી દૂર રહેવા સતત ચેતવણી આપવામાં આવી રહી છે. તેમજ સંવેદનશીલ સ્થળો પર પોલીસ, હોમગાર્ડ્સ, જીઆરડી અને ટીઆરબી જવાનોને અગાઉથી જ ખડેપગે કરી દેવાયા છે.
