શહેરમાં નવાગામ વિસ્તારમાં આવેલી રંગીલા સોસાયટીમાં રહેતો યુવાન કામ કરી ઘરે જતો હતો. ત્યારે અજાણયા શખ્સોએ બાઇક સાઇડમાં ચલાવવા મુદ્દે ઝઘડો કરી ગાડો ભાંડી હતી. જે અંગે યુવાને મોટાભાઇને ફોન કરી બોલાવ્યો હતો. નાનાભાઇના ઝઘડામાં વચ્ચે પડેલા યુવાન ઉપર અજાણયા શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. જે હુમલામાં કૌટૂબીક ભાઇને પણ ઇજા પહોંચી હોવાનુ જાણવા મળ્યુ છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતો કિશન રમેશભાઇ ચૌહાણ નામનો 28 વર્ષનો યુવાન રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં નવાગામ મામાવાડી વિસ્તારમાં હતો ત્યારે અજાણયા શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત કિશન ચૌહાણનો નાનોભાઇ શૈલેષ ચૌહાણ (ઉ.વ.20) કામ કરીને ઘરે આવતો હતો. ત્યારે અજાણયા શખ્સોએ બાઇક સાઇડમાં કેમ ચલાવતો નથી તેમ કહી ગાળો ભાંડી હતી. જેથી શૈલેષ ચૌહાણે મોટાભાઇ કિશન ચૌહાણને ફોન કરી બોલાવ્યો હતો. કિશન ચૌહાણ સમજાવવા વચ્ચે પડતા અજાણયા શખ્સોેએ છરી વડે હુમલો કર્યો હોવાનું અને જે હુમલામાં કિશન ચૌહાણના કૌટૂબિકભાઇને પણ ઇજા પહોંચી હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે કુવાડવા રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
