ગાંધીધામના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાન્સપોર્ટના વેપારીના અપહરણ અને કરોડો રૂૂપિયાની ખંડણી વસૂલવાના ગંભીર ગુનાનો પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલી કાઢ્યો છે. આ કેસમાં પોલીસે કુલ સાત આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી ચાલુ છે.
પોલીસ તપાસ મુજબ, 21 જુલાઈના રોજ આરોપીઓએ પૂર્વયોજિત કાવતરું ઘડી ટ્રાન્સપોર્ટના વેપારીને વિશ્વાસમાં લઈને કારમાં બેસાડ્યો હતો. ત્યારબાદ તેને સપનાનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં લઈ જઈ દોરડાથી બાંધી દેવામાં આવ્યો હતો. આરોપીઓએ વેપારી સાથે મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
વેપારીને બંધક બનાવી રાખ્યા બાદ આરોપીઓએ દુબઈમાં રહેતા તેમના ભાઈને વીડિયો કોલ કર્યો હતો. વેપારીને ધમકીભરી સ્થિતિમાં બતાવી ભયનો માહોલ ઉભો કર્યો અને સ્કેનર મારફતે કુલ ₹5.55 કરોડની રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી. આ સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી હતી.
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને પૂર્વ કચ્છ પોલીસે સઘન તપાસ શરૂૂ કરી હતી. ટેકનિકલ અને માનવ ગુપ્તચર માહિતીના આધારે માત્ર એક જ અઠવાડિયામાં ખંડણીકાંડના માસ્ટરમાઈન્ડ સહિત સાત આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી હતી. પોલીસ હવે ફરાર રહેલા અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો દ્વારા શોધખોળ ચલાવી રહી છે.
પોલીસે આ કેસમાં હર્ષ તુલસીદાસ સદાપૂરી, રાજ દીપક ધનવાણી, ઈબ્રાહિમ જુસબ બુચડ, હુસૈન જુસબ બુચડ, સબિર અભૂ સાયચા, લક્ષ્મણ હેમલાણી અને સચિન આનંદાનીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર કાવતરાની વધુ તપાસ ચાલુ રાખી છે.
