સૌરાષ્ટ્રમાં રીક્ષામાં પેસેન્જર બેસાડી નજર ચુકવી લૂંટ-ચોરી કરતી રીક્ષા ગેંગને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે જેતપુર પાસેથી ઝડપી લઇ ગેંગના રાજકોટ અને શાપરના ચાર સભ્યોની પુછપરછ કરતા ત્રણ ચોરીના ભેદ ખુલ્યા છે. એલ.સી.બી.એ ગણતરીના કલાકોમાં જ આ ચોરીનો વણશોધાયેલ ગુનો ઉકેલીને ટોળકી પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન તથા ગુનામાં વપરાયેલ ઓટો રીક્ષા મળી કુલ રૂ.1,39,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ, મૂળ જેતપુર ખાતે રહેતા દિનેશભાઈ મંગળીયાભાઈ ડામોર જેતપુર સરદાર ચોકથી ઓટો રીક્ષામાં બેસી જેતલસર તરફ જઈ રહ્યા હતા. આ દરમ્યાન રીક્ષામાં અગાઉથી જ સવાર ચાર શખ્સોએ તેમને વાતોમાં પરોવીને તેમની નજર ચુકવી તેમના પેન્ટના ખિસ્સામાં રાખેલા રૂ.15,000 રોકડા સેરવી લીધા હતા. આ અંગે દિનેશભાઈએ જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી હતી. જે અંગે તપાસમાં એલસીબીએ પણ ઝુકાવ્યું હતું. તે દરમિયાન મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે આ રીક્ષા ગેંગને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
રિક્ષા ગેંગના શાપર રહેતા હુસેન ઉર્ફે દાઉદ દાઉદભાઇ મલેક, રાજકોટ, માનસતા આવાસ ક્વાર્ટરમાં રહેતા શિવમ ઉર્ફે રાજા અજયસિંગ રાજપુત, ભરતભાઇ મુળજીભાઇ ચંદ્રપાલ અને રાજકોટ માયાણી ચોક આવાસ ક્વાર્ટરમાં રહેતા રવી રમેશભાઇ ચૌહાણની ધરપકડ કરી હતી. ટોળકી પાસે થી 19,000 ની રોકડ રકમ, રૂ.20,000ની કિંમતના 4 નંગ મોબાઈલ ફોન તથા ચોરીના ગુનામાં વપરાયેલ રૂ.1,00,000ની કિંમતની ઓટો રીક્ષા નંબર જીજે-03-સીટી-2203 મળી કુલ રૂ. 1,39,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. એલસીબીની કડક પૂછપરછમાં આરોપીઓએ અન્ય ચોરીઓના બનાવોની પણ કબૂલાત આપી હતી.
જેમાં 22 જુલાઈ 2026ના શાપર ખાતે બુધવારી બજારમાંથી એક પુરુષ પેસેન્જરને રીક્ષામાં બેસાડી ખિસ્સામાંથી રૂ.4,000 કાઢી લીધા હતા. 27 જુલાઈ રાજકોટથી જેતપુર આવતા રસ્તામાં ભુણાવા ગામના પાટીયા પાસેથી પેસેન્જરને બેસાડી રૂ.700ની ચોરી કરી હતી. તેમજ જેતપુર સરદાર ચોકથી જૂનાગઢ તરફ જતા રસ્તે પેસેન્જરને બેસાડી માર્કેટીંગ યાર્ડ પાસે ઉતારી રૂ.15,000 સેરવી લીધા હોવાનું કબુલ્યું હતું.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ઝડપાયેલા આરોપીઓ અગાઉ પણ અનેક ગુનાઓમાં સપડાયેલા છે. ભરત મુળજીભાઈ ચંદ્રપાલ સામે રાજકોટ, જૂનાગઢ, મોરબી અને આટકોટમાં ચોરી, પ્રોહિબિશન અને દુષ્કર્મ જેવા 13 જેટલા ગુના નોંધાયેલા છે. જ્યારે હુસેન મલેક સામે પોરબંદર અને શાપર વેરાવળમાં પ્રોહિબિશનના 7 ગુના અને શિવમ રાજપુત સામે રાજકોટના વિવિધ પોલીસ મથકમાં 5 ગુના નોંધાયેલા છે.
રાજકોટ આઈજી નિર્લિપ્ત રાય તથા જીલ્લા પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરની સૂચનાથી એલસીબીના પી.આઈ જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.વી. ભીમાણી, એચ.સી. ગોહીલ, કે.એમ. ચાવડા, પી.એન. ભરવાડ, એ.એસ.આઇ. અનીલભાઇ બડકોદીયા, બાલકૃષ્ણભાઈ ત્રીવેદી, રોહીતભાઈ બકોતરા, મનીષભાઈ વરૂ, રમણીકભાઈ મણવર, મનદીપસિંહ જાડેજા, ભરતભાઈ ગમારા, શક્તિસિંહ ઝાલા, ઈશીતભાઈ માણાવદરીયા, નિકુંજભાઈ સુતરીયા, અબ્દુલભાઈ શેખ દ્વારા કામગીરી કરી હતી.
