ઉના-ભાવનગર નેશનલ હાઇવે પર સામતેર ગરાળ નજીક રાવલ નદી પરના બ્રિજમાં પડેલા ભંગાણ ને લઈને હવે મામલો ગરમાયો છે. બ્રિજની કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠાવતા પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકરો એ રાવલ નદીના પુલ પાસે ધરણાં કરી ચક્કાજામ કર્યો હતો. બંને તરફ રસ્તો રોકાતા હાઇવે પરવાહનોનીલાંબી કતારો લાગી હતી અને દોઢ કલાક જેટલો સમય વાહન વ્યવહાર ખોરવાઈ જતાં મુસાફરો તથા વાહનચાલકો ભારે હાલાકીમાં મુકાયા હતા.
રાવલ બ્રિજના બેસી ગયેલા ભાગ અને પુલના છેડા છૂટા પડવા સહિતની સ્થિતિને લઈને પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે સ્થળ પર જ નેશનલ હાઇવે ઓથોરિટી તથા સંબંધિત એજન્સીની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમનો આક્ષેપ હતો કે હાઇવેનું કામ પૂર્ણ થયાને હજુ બે વર્ષ જેટલો ટૂંકો સમય થયો છે, છતાં બ્રિજમાં ભંગાણ, તિરાડો અને રોડના ભાગોમાં ગાબડાં પડવાની સ્થિતિ સર્જાઈ છે. આવી સ્થિતિમાં ભારે વાહનો સતત પસાર થઈ રહ્યા હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં કાયમી ઉકેલ લાવવાની જરૂરિયાત તેમણે વ્યક્ત કરી હતી.
પૂર્વ ધારાસભ્ય વંશે સ્પષ્ટપણે માગણી કરી હતી કે બ્રિજનો જે ભાગ ખરાબ થયો છે તેને માત્ર ઉપરથી રિપેરિંગ કરીને અથવા ગાબડાં પૂરીને કામ પૂર્ણ ન ગણવામાં આવે. ડેમેજ થયેલો ભાગ કાઢીને તેની જગ્યાએ મજબૂત અને ગુણવત્તાયુક્ત નવું બાંધકામ કરવામાં આવે તેવી માગ સાથે તેમણે સ્થળ પર ધરણાં કર્યા હતા.
પૂર્વ ધારાસભ્યના જણાવ્યા મુજબ ઉનાભાવનગર નેશનલ હાઇવે પરના અનેક માઇનોર બ્રિજ તથા નદી પરના બ્રિજમાં તિરાડો, રોડ ફાટવા, પુલના છેડા છૂટા પડવા અને મોટા ગાબડાં જેવી સમસ્યાઓ સામે આવી રહી છે. હાઇવેના બાંધકામની ગુણવત્તા અંગે અગાઉ થી જ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, કલેક્ટર, પ્રાંત અધિકારી સહિતના સત્તાધીશોને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી.
ધરણાં દરમિયાન પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશની પોલીસ દ્વારા તેમના ખભા પર હાથ મુકીને અટકાયત કરવામાં આવતા વંશ રોષે ભરાયા હતા અને PSI બોરીચા અને પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ચકમક જોવા મળી હતી. આખરે પોલીસે પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ સહિત કોંગ્રેસના કુલ નવ આગેવાનોની અટકાયત કરી હતી. પૂર્વ ધારાસભ્યને તેમની જ ગાડીમાં સેલ્ફ ડ્રાઇવિંગ કરીને ઉના પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. આશરે બે કલાક ચાલેલા સમગ્ર ઘટનાક્રમ બાદ અટકાયત કરાયેલા આગેવાનોને બાદમાં છોડી મુકવામાં આવ્યા હતા.
હું કોઈ બૂટલેગર કે આતંકવાદી નથી : વંશનો આક્રોશ
અટકાયત સમયે પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે ઉગ્ર રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, મને કોઈ હાથ લગાડતા નહીં. હું કોઈ બુટલેગર કે આતંકવાદી નથી, હું જાહેર જીવનનો માણસ છું. લોકોની સમસ્યા અને તેમની સુરક્ષા માટે રજૂઆત કરું છું એટલે મારી અટકાયત કેમ? દારૂના દુષણને લઈને પણ તેમણે પોલીસ સામે સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, પકડવા હોય તો બુટલેગરોને પકડો, તમને દારૂનું દુષણ કેમ દેખાતું નથી? તેમના આ આક્રોશથી સ્થળ પરનું વાતાવરણ વધુ ગરમાયું હતું.
