શહેરના સામાકાંઠે કુવાડવા રોડ પર રહેતો પરિવાર તેના કુટુબના સભ્યો સાથે આઇસરમાં બેસી સુરાપુરાના દર્શને જતો હતો. દરમિયાન થાનગઢના રાણીપર ગામ પાસે આઇસરમાંથી પડી જતા આધેડનુ ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. આ બનાવથી ભરવાડ પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર રહેતા ગોવિંદભાઇ ગાડુભાઇ ગમારા (ઉ.વ.50)નામના આધેડ તેમના બે ભત્રીજા સહિત કુટુબના 20 લોકો આઇસરમાં બેસી થાનગઢના રાણીપર ગામે સુરાપુરાના મંદિરે હવન હોવાથી દર્શન કરવા જઇ રહ્યા હતા.
દરમિયાન રાણીપર ગામ નજીક પહોંતા ગોવિંદભાઇ અકસ્માતે આઇસરમાંથી પડી જતા તેમને માથાના ભાગે તથા શરીરે ઇજા પહોંચતા સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર કારગત ન નીવડતા હોસ્પિટલના બીછાને તેમનુ મોત નીપજ્યુ હતુ. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી થાનગઢ પોલીસને જાણ કરતા પોલીસે રાજકોટ દોડી આવી જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક ગોવિંદભાઇ પાંચ ભાઇમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.
