શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં આજી ડેમ નજીક સર્વિસ રોડ પર બગીચામાં નોકરી કરી ઘરે જઈ રહેલા રાહદારી આધેડને અજાણ્યા ટ્રક ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા આધેડના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, માંડાડુંગર પાસે આવેલી સુદરમ સોસાયટીમાં રહેતાં રવજીભાઈ વાલજીભાઈ પરમાર નામના 58 વર્ષના આધેડ સાંજના પાંચે વાગ્યાના અરસામાં આજી ડેમ નજીક ભવાની કારખાના સામે સર્વિસ રોડ પર ચાલીને જતાં હતાં ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા ટ્રક ચાલકે આધેડને ઠોકરે ચડાવ્યા હતાં. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે જ આધેડનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પુછપરછમાં મૃતક રવજીભાઈ પરમાર ત્રણ ભાઈ ત્રણ બહેનમાં નાના હતાં અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. રવજીભાઈ પરમાર ભવાની કંપનીમાં માળી તરીકે બગીચાનું કામકાજ કરતાં હતાં. નોકરી પરથી છુટા થઈ ઘરે જતાં હતાં ત્યારે ટ્રક ચાલકે કચડી નાખ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે આજી ડેમ પોલીસે નોંધ કરી અકસ્માત સર્જી નાસી છુટેલા ટ્રક ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
