ગુજરાતનો રમતગમતનો ગ્રાફ ખૂબ જ ઝડપથી ઉપર જઈ રહ્યો છે. વર્ષ 2014માં 17મી એશિયન ગેમ્સમાં ગુજરાતમાંથી માત્ર ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ પણ આજે રાજ્યે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. જાપાનના આઈચી-નાગોયા ખાતે 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર, 2026 દરમિયાન યોજાનારી આગામી 20મી એશિયન ગેમ્સ માટે ગુજરાતમાંથી 9 સભ્યોની મજબૂત ટુકડી અને એક હાઈ-વેલ્યુ રિઝર્વ ખેલાડી પસંદગી પામ્યા છે. ગુજરાત માટે ખરેખર આ એક ગૌરવની ક્ષણ છે.
એશિયન ગેમ્સ જેવી મહત્વની સ્પર્ધામાં ગુજરાતમાંથી આટલી મોટી સંખ્યામાં ખેલાડીઓની પસંદગી દર્શાવે છે કે, રમત-ગમત ક્ષેત્રે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ નાંખેલો પાયો મજબૂત છે અને તેના ફળ હવે મળી રહ્યાં છે. એટલું નહીં પણ ગુજરાત હવે માત્ર ક્રિકેટપ્રેમી રાજ્ય મટીને મલ્ટી-સ્પોર્ટ્સનું પાવરહાઉસ બની ગયું છે. ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરાયેલા ગુજરાતનાં ખેલાડીઓમાં વિવિધ રમતોના અનુભવી ચેમ્પિયન્સ અને ઉત્સાહી યુવા પ્રતિભાઓનું શાનદાર મિશ્રણ જોવા મળે છે:
પસંદગી પામેલા ખેલાડીઓ વિવિધ રમતગમત ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય રમતોમાં ગુજરાતના વધતા પ્રદાનને દર્શાવે છે. રાજ્યની આ ટુકડીમાં શૂટર ઈલાવેનિલ વલારિવન, ટેબલ ટેનિસ ખેલાડીઓ હરમીત દેસાઈ, માનવ ઠક્કર અને માનુષ શાહ, સોફ્ટ ટેનિસ ખેલાડી અનિકેટ પટેલ, તરણવીર આર્યન નેહરા, ટેનિસ ખેલાડીઓ અંકિતા રૈના અને વૈદેહી ચૌધરી તેમજ સ્પ્રિન્ટર (દોડવીર) દેવયાની ઝાલાનો સમાવેશ થાય છે. ટેનિસ ખેલાડી જીલ દેસાઈની રિઝર્વ ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવી છે.
