નોકરી આપનારા નોન મેટ્રો શહેરોમાં રાજકોટ દેશમાં છઠ્ઠા ક્રમે

ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ, મેડિકલ ડિવાઇસ પાર્ક, આંતરરાષ્ટ્રીય હોટેલ્સનું આગમન થતાં શહેરની આર્થિક રફતાર વધી: લિન્કડઇન ‘સિટીઝ ઓન ધ રાઇઝ 2026’ના રિપોર્ટમાં નવો ચિતાર રજૂ કરાયો…

ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ, મેડિકલ ડિવાઇસ પાર્ક, આંતરરાષ્ટ્રીય હોટેલ્સનું આગમન થતાં શહેરની આર્થિક રફતાર વધી: લિન્કડઇન ‘સિટીઝ ઓન ધ રાઇઝ 2026’ના રિપોર્ટમાં નવો ચિતાર રજૂ કરાયો

લિન્ક્ડઇને તાજેતરમાં પ્રસિદ્ધ કરેલા ‘સિટીઝ ઓન ધ રાઇઝ 2026’ અહેવાલમાં રાજકોટે ભારતના સૌથી ઝડપથી વધતા નોન-મેટ્રોપોલિટન જોબ માર્કેટમાં છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં વિશાખાપટ્ટનમ પ્રથમ, લુધિયાના બીજા, સુરત ત્રીજા, વડોદરા ચોથા અને પ્રયાગરાજ પાંચમા ક્રમે છે. રાજકોટ પછી જબલપુર, રાંચી, રાયપુર અને વિજયવાડા આવે છે.

ખાસ વાત એ છે કે ગુજરાતના ત્રણ શહેરો સુરત, વડોદરા અને રાજકોટ આ ટોપ-10 યાદીમાં સામેલ થયા છે, જે રાજ્યની મજબૂત આર્થિક વૃદ્ધિ અને રોજગારીની તકોનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. લિન્ક્ડઇન અહેવાલ અનુસાર રાજકોટમાં 2.46 લાખ એમએસએમઈ યુનિટ્સ કાર્યરત છે, જેમાંથી લગભગ અડધા યુનિટ્સ નિકાસક્ષેત્રમાં સક્રિય છે. શહેરમાં સીધી રોજગારીમાં 11 લાખથી વધુ લોકો જોડાયેલા છે. સૌરાષ્ટ્રની ઔદ્યોગિક રાજધાની તરીકે રાજકોટ હવે નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણો સાથે વધુ વેગ પકડી રહ્યું છે.

મુખ્ય વિકાસકાર્યોમાં નવા ગ્રીનફીલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, સમર્પિત મેડિકલ ડિવાઇસ પાર્ક અને આંતરરાષ્ટ્રીય હોટલ ચેન્સનું આગમન સામેલ છે. આ તમામ પરિબળો શહેરને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છે.
સુરતે ટેક્સટાઈલ અને હીરા ઉપરાંત સ્ટાર્ટઅપ્સ, નિકાસ અને રિયલ એસ્ટેટમાં વિસ્તરણ કરીને ત્રીજું સ્થાન મેળવ્યું છે, જ્યારે વડોદરા કેમિકલ્સ, મશીનરી અને ટેક્નોલોજી ક્ષેત્રે મજબૂત રહીને ચોથા ક્રમે છે. આમ ગુજરાતના ત્રણ શહેરોનું આ યાદીમાં સામેલ થવું રાજ્યની વૈવિધ્યસભર અર્થવ્યવસ્થા અને ટાયર-2 શહેરોની વધતી સંભાવનાનું પ્રતીક છે.

લિન્ક્ડઇનના અહેવાલ મુજબ ભારતમાં લગભગ 72 ટકા પ્રોફેશનલ્સ નવી નોકરી શોધી રહ્યા છે. મોટા મહાનગરોની તુલનામાં વિઝાગ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરો હવે વધુ વ્યાપક ક્ષેત્રો અને કંપનીઓમાં કારકિર્દીની તકો પૂરી પાડી રહ્યા છે. રાજકોટ આ દિશામાં સૌરાષ્ટ્રનું મજબૂત કેન્દ્ર બની રહ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *