ઉના તાલુકાના જાખરવાડ ગામમાં રેશનકાર્ડ ધારકોને સરકારી નિયમ મુજબ મળવાપાત્ર અનાજના જથ્થા કરતાં ઓછો જથ્થો આપવામાં આવતો હોવાની ફરિયાદને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ગરીબ અને મજૂર વર્ગના પરિવારોને રેશનના જથ્થામાં કથિત રીતે કાપ મૂકાતો હોવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો, મહિલાઓ, માતાઓ બહેનો અને યુવાનો ચાલુ વરસાદ વચ્ચે ટ્રેક્ટર ભરીને ઉના મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. ગ્રામજનોના જણાવ્યા મુજબ, રેશનકાર્ડમાં પરિવારના સભ્યોની સંખ્યા અને સરકારી નિયમો મુજબ જેજથ્થો મળવાપાત્ર હોય છે, તે પ્રમાણે રેશનકાર્ડમાં સંપૂર્ણજથ્થા ની એન્ટ્રી કરવામાં આવે છે.
જોકે, વાસ્તવમાં જ્યારે લાભાર્થીઓને અનાજ આપવામાં આવે છે ત્યારે તેમને નિયત જથ્થા કરતાં ઓછો અનાજ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે, કાર્ડમાં સંપૂર્ણ જથ્થો દર્શાવ્યા બાદ હકીકતમાં ઓછો માલ આપવામાં આવતો હોવાથી ગરીબ પરિવારોને મોટું નુકસાન થઈ રહ્યું છે.
રેશનકાર્ડ ધારકોનો મુખ્ય આક્ષેપ એવો છે કે, તેમને મળવાપાત્ર અનાજનો સંપૂર્ણ જથ્થો આપવામાંઆવતો નથી. તેમ છતાં રેશનકાર્ડ અથવા સિસ્ટમમાં સંપૂર્ણ જથ્થો આપવામાં આવ્યો હોવાની એન્ટ્રી કરવામાં આવતી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તો વાસ્તવિક હકીકત બહાર આવી શકે તેવી માંગણી પણ કરવામાં આવી હતી. માત્ર ઓછો જથ્થો મળતો હોવાની ફરિયાદ જ નહીં, પરંતુ રેશન દુકાનના લાયસન્સધારક સંચાલક દ્વારા ગ્રાહકો સાથે તુમાખીભર્યુ વર્તન કરવામાં આવતું હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. મોટી સંખ્યામાં ઉના મામલતદાર કચેરીએ પહોંચેલા ગ્રામજનોએ મામલતદાર ડી.કે. ભીમાણી સમક્ષપોતાની રજૂઆત કરી હતી. ચાલુ વરસાદ વચ્ચે દૂરનાગામમાંથી મોટી સંખ્યામાં લોકો રજૂઆત કરવા પહોંચતા મામલો ગંભીર હોવાનું સ્પષ્ટથયુંહતું. મામલતદાર ડી.કે.ભીમાણી એ ગ્રામજનોને સમગ્ર મામલે મુદ્દાસર અને લેખિત રજૂઆત કરવા આગ્રહ કર્યો હતો.
