તલાટીએ પોતે પાણીમાં ઉતરી ગ્રામજનોનો સામાન ઉપાડ્યો, લોકોને સુરક્ષિત આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યા
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે હેબતપુર ગામના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ઘરોમાં પાણી ઘૂસી જતાં અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. આવી કટોકટીની સ્થિતિમાં હેબતપુરના ઈન્ચાર્જ તલાટી પી.કે. પરમારે તાત્કાલિક સ્થળ પર પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમની સમયસરની કામગીરીને કારણે 42થી વધુ ગ્રામજનોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં સફળતા મળી હતી.
પરિસ્થિતિની ગંભીરતા સમજીને તલાટી પી.કે. પરમારે વહેલી સવારથી જ રેસ્ક્યુ ઓપરેશન શરૂૂ કર્યું હતું. પ્રથમ તબક્કામાં નીચાણવાળા વિસ્તારમાંથી 12 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન એક સગર્ભા મહિલા અને એક દિવ્યાંગ મહિલાને વિશેષ કાળજી સાથે સલામત આશ્રયસ્થાને પહોંચાડવામાં આવ્યા હતા. ત્યારબાદ ગામના અન્ય વિસ્તારોમાંથી વધુ 30 જેટલા લોકોને તેમની ઘરવખરી અને કિંમતી સામાન સાથે સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા હતા.રેસ્ક્યુ કામગીરી દરમિયાન માત્ર સૂચનાઓ આપવાને બદલે તલાટી પી.કે. પરમારે પોતે જ ગ્રામજનોનો સામાન ઉપાડીને મદદ કરી હતી. હોદ્દાની મર્યાદા કરતાં માનવતાને પ્રાધાન્ય આપતાં તેમણે એક જવાબદાર અધિકારી તરીકે અનુકરણીય સેવા આપી હતી. તેમની આ સંવેદનશીલ કામગીરીથી ગ્રામજનોએ ભારે રાહત અનુભવી હતી અને સમગ્ર વિસ્તારમાં તેમની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.
ભારે વરસાદને પગલે દસાડા અને પાટડી પંથકના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જિલ્લા વહીવટીતંત્ર, પાટડી નગરપાલિકા અને ગ્રામ પંચાયતોએ પૂરજોશમાં રાહત કામગીરી હાથ ધરી હતી. સંભવિત જોખમી વિસ્તારોમાંથી 125થી વધુ અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા. આશ્રયસ્થાનોમાં રહેવા, ભોજન, પીવાના શુદ્ધ પાણી સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.પાટડી નગરપાલિકા દ્વારા કાર્યરત બે આશ્રય કેન્દ્રોમાં કુલ 78 લોકોને આશ્રય આપવામાં આવ્યો છે.
તેમાં ’ગણતર સંસ્થા’ ખાતે 59 અને ’આબુરાજ અન્નક્ષેત્ર’ ખાતે 19 લોકોને રાખવામાં આવ્યા છે. બીજી તરફ સવલાસ ગામમાં આશરે 35 લોકોને સ્થાનિક શાળામાં અને ખેરવા ગામમાં 10થી 12 લોકોને ક્ધયા શાળામાં સુરક્ષિત રીતે ખસેડીને રહેવા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. કારેલા ગ્રામ પંચાયત દ્વારા જરૂૂરિયાતમંદ પરિવારોને અનાજ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.વરસાદના કારણે પાટડી-માલવણ હાઈવે પર અનેક ટ્રકો ફસાઈ જતાં વહીવટીતંત્ર દ્વારા ટ્રક ચાલકો માટે નાસ્તા અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. દસાડા-પાટડી વિસ્તારમાં અધિકારીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને જરૂૂરિયાત રાહત અને બચાવ કામગીરી યથાવત રાખવામાં આવી રહી છે.
