ડબલ આફત, ભારે વરસાદથી તારાજ સુરતમાં ભૂકંપના આંચકા

છેલ્લા કેટલાક દિવસોથી અતિભારે વરસાદ, જળબંબાકાર અને પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરી રહેલા સુરત શહેરમાં ગુરુવારે મોડી રાત્રે ભૂકંપના હળવા આંચકાઓ અનુભવાતા નાગરિકોમાં ક્ષણિક ગભરાટ…

છેલ્લા કેટલાક દિવસોથી અતિભારે વરસાદ, જળબંબાકાર અને પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરી રહેલા સુરત શહેરમાં ગુરુવારે મોડી રાત્રે ભૂકંપના હળવા આંચકાઓ અનુભવાતા નાગરિકોમાં ક્ષણિક ગભરાટ ફેલાયો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુવારે રાત્રે 11:09 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર સુરત શહેરથી આશરે 42 કિલોમીટર દૂર નોંધાયું હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે.

રાત્રિના સમયે મોટાભાગના લોકો પોતાના ઘરોમાં આરામ કરી રહ્યા હતા ત્યારે અચાનક થોડા સેક્ધડ માટે ધરતી ધ્રૂજતા અનેક વિસ્તારોમાં લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. કેટલાક લોકોએ પંખા, બારીઓ, દરવાજા અને ઘરવખરીમાં હળવો કંપન અનુભવ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ ભૂકંપના આંચકા અનુભવ્યા હોવાના અનેક સંદેશા વાયરલ થયા હતા. જોકે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી શહેરના કોઈપણ વિસ્તારમાં જાનહાનિ કે મિલકતને નુકસાન થયાના અહેવાલ પ્રાપ્ત થયા નથી.

છેલ્લા ત્રણ દિવસથી સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે, જ્યારે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર પણ કરવું પડ્યું છે. નદીઓના જળસ્તરમાં વધારો થતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને વહીવટી તંત્ર પહેલેથી જ હાઈ એલર્ટ પર છે. આવી સંવેદનશીલ પરિસ્થિતિમાં મોડી રાત્રે આવેલા ભૂકંપના હળવા આંચકાઓને કારણે લોકોમાં ચિંતા અને ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *