ધોરાજી પંથકમાં પ્લાસ્ટીકના કારખાનામાં કામ કરતાં પરિવારની 15 વર્ષની પુત્રીને શ્રમિકે ધાક ધમકી આપી દુષ્કર્મ આચર્યુ હતું. દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાને ગર્ભ રહી જતાં ઘટના પ્રકાશમાં આવી હતી. જે દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલા શખ્સને કોર્ટે તકસીરવાન ઠેરવી 20 વર્ષની સજા અને રૂપિયા 20 હજારનો દંડ તેમજ ભોગ બનનાર સગીરાને રૂા.4 લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો હતો.
આ કેસની હકીકત મુજબ ધોરાજી પંથકમાં આવેલા એક ગામમાં પ્લાસ્ટીકના કારખાનામાં કામ કરતાં પરિવારની 15 વર્ષની સગીરાને ગત તારીખ 25/7/2025ના રોજ પેટમાં દુ:ખાવો ઉપડતાં સગીરાને તાત્કાલીક સારવાર માટે ધોરાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સગીરાની તબીબી તપાસ દરમિયાન સગીરા ગર્ભવતી હોવાનું ખુલતાં હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસ સ્ટેશનમાં એમ.એલ.સી.નોંધાવી હતી.
પોલીસ તપાસમાં સગીરાએ કારખાનામાં સાથે કામ કરતાં ઉત્તર પ્રદેશના શિવ સલરામ બાબુ નામના શખ્સે તેણી લઘુશંકા કરવા ગઈ હતી. ત્યારે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો અને આ અંગે જોઈ કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને શિવ સલરામ બાબુ અવારનવાર ધાક ધમકી આપી સગીરાને પોતાના રૂમમાં લઈ જઈ ત્રણ થી ચાર વખત દુષ્કર્મ આચર્યુ હોવાની સગીરાએ આપવિતી વર્ણવી હતી. જે અંગે ભોગ બનનાર સગીરાની માતાએ ધોરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે કેસમાં તપાસ અધિકારી દ્વારા આરોપી વિરૂધ્ધ પુરતો પુરાવો મળતા ધોરાજી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યુ હતું. ચાર્જશીટ બાદ કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતાં આરોપીના વકીલ દ્વારા બચાવ લેવામાં આવ્યો હતો કે સર્વોચ્ચ અદાલતના સિધ્ધાંતો પ્રમાણે પોલીસ તરફથી નમુનાઓ લઈ અને યોગ્ય જાળવણી સાથે ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા નથી.
ભોગ બનનારની યોગ્ય જન્મ નોંધ પણ થયેલી નથી. આવા સંજોગોમાં ભોગ બનનાર પુખ્તવયની છે. ભોગ બનનાર પરિવારને આરોપી સાથે ધંધાનો ખાર હોવાથી ખોટી રીતે કેસમાં ફસાવી દેવામાં આવ્યો છે. જ્યારે સરકાર પક્ષે સરકારી વકીલે દલીલો કરી હતી કે પોલીસ દ્વારા પોતાની સમગ્ર ફરજ અને આદેશાત્મક જોગવાયોનું પાલન કરવામાં આવેલું છે.
ભોગ બનનાર જે માત્ર 15 વર્ષની બાળા છે તેને ખોટુ બોલવા માટે કોઈ કારણ નથી. જન્મ તારીખના દાખલા અંગે શંકાસ્પદ કશું ન રહે તે માટે તપાસ કરનાર અધિકારીએ ડોકટર મારફતે એ જ ડિટર્મિનેશન ટેસ્ટ કરાવેલો છે જેમાં પણ ભોગ બનનાર માઈનોર હોવાનું પ્રસ્થાપિત થયેલું છે. આવા સંજોગોમાં આરોપીને તકસીરવાન ઠરાવવો જોઈએ. સહિતની સરકાર પક્ષની દલીલને ધોરાજીના સ્પે.જજ વી.વી.મોઢેએ ગ્રાહ્ય રાખી સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર શિવ સલરામ બાબુને તકસીરવાન ઠેરાવી 20 વર્ષની સજા અને રૂા.20 હજારનો દંડ તેમજ ભોગ બનનારને ગુજરાત સરકારની વિકટીમ કુંપનસેશન સ્કીમ હેઠળ રૂા.4 લાખ વળતર ચુકવવા હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે પબ્લીક પ્રોસિકયુટર કાર્તિકેય મનોજભાઈ પારેખ રોકાયા હતાં.
