શહેરમાં રૈયાગામ સ્મશાન પાસે અને કોઠારિયા રોડ પર શિવધામ સોસાયટીમાં પોલીસે બાતમીના આધારે જુગારના દરોડો પાડી પતા ટીંચતા 15 શખ્સોને રૂા.43000ની રોકડ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ એલસીબી ઝોન-2ના એએસઆઇ એચ.જે.જાડેજા, હેડકોન્સ્ટેબલ સત્યજીતસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, શિવભદ્રસિંહ ગોહીલ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન રૈયાગામ સ્મશાનની સામે આવેલા ખોડીયાર નગર શેરી નં.2માં જાહેરમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પતા ટીંચતા નિકુલ લક્ષ્મણભાઇ મેરીયા, શૈલેષ ગોવિંદભાઇ મકવાણા, મનીષ રમેશભાઇ ટોળીયા, નરેશ મનુભાઇ પરમાર, હારૂન ઉમરભાઇ પરમાર, રવિ માલદેભાઇ ગોહીલ, યશવંત લાલજીભાઇ મેરીયા, વિજય મગનભાઇ રાઠોડ અને વિશાલ દેવજીભાઇ મેરીયાને ઝડપી લઇ પટમાંથી રૂા.21,530ની રોકડ કબજે કરી હતી.
બીજા દરોડામાં પીસીબીના પીએસઆઇ પી.બી.ત્રાજીયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાછળ આવેલી શિવધામ સોસાયટી શેરી નં.3માં રહેતો જય તન્ના નામનો શખ્સ પોતાના રહેણાક મકાનમાં જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા મકાન માલિક જય ચંદ્રેશભાઇ તન્ના ઉપરાંત સાહનવાઝ હુશેનભાઇ સૈયદ, રવિ ગોવિંદભાઇ પારગી, પાર્થ ગીરીશભાઇ સોઢા, રવિ શિવરામભાઇ મહેતા અને રાણા રાવતભાઇ ચાવડાને ઝડપી પાડી રૂા.21,250ની રોકડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
