ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સોંદરડી ગામે ધીરુભાઈ ગોહિલ ના પાંચ વર્ષ ના માસુમ બાળક નું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો બાદ થયેલા કરૂૂણ મોતથી સમગ્ર જિલ્લામાં ચિંતા અને શોકનું મોજું ફરી વળ્યું છે. બે દિવસથી સતત તાવ, ઉલટી, પેટમાં અસહ્ય દુખાવો અને બાદમાં બેભાન જેવી ગંભીર સ્થિતિ સર્જાતા પરિવારજનોએ બાળકને પ્રથમ જાફરાબાદ તાલુકાના ટીબી ગામે ખાનગી તબીબ પાસે સારવાર માટે લઈ ગયા હતા. જોકે તબિયતમાં સુધારો ન થતાં તેને મહુવાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.
19 જુલાઈના રોજ સર ટી. હોસ્પિટલમાં દાખલ કરાયેલા બાળકની હાલત અત્યંત ગંભીર હોવાથી તેને વેન્ટિલેટર પર રાખીને સારવાર આપવામાં આવી હતી. તબીબોએ બાળકમાં અલ્ટર્ડ સેન્સોરિયમ (બેભાનજેવી સ્થિતિ) સહિત ચાંદીપુરા વાયરસન ેમળતા લક્ષણો જોતા લોહી સહિતના જરૂૂરી નમૂનાઓ લેબોરેટરી તપાસ માટે મોકલ્યા હતા. પરંતુ અંતિમ રિપોર્ટ આવે તે પહેલાં જ રવિવારે મોડી રાત્રે બાળકનું સારવાર દરમિયાન દુ:ખદ અવસાન થયું હતું.
આ ઘટનાને ગંભીરતાથી લઈ ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગ અને ઉના તાલુકા આરોગ્ય વિભાગ તાત્કાલિક એલર્ટ મોડમાં આવી ગયા છે. આશરે 150 જેટલા મકાનો ધરાવતા સોંદરડી ગામમાં ઘરે ઘરે તેમજ શાળા અને આંગણવાડી કેન્દ્રો ખાતે આરોગ્ય વિભાગ ની આઠ ટીમોને તૈનાત કરવામાં આવી છે. ટીમો દ્વારા બાળકો અને ગ્રામજનોના આરોગ્યની તપાસ, તાવના કેસોની નોંધણી, જાગૃતિ અભિયાન તેમજ સેન્ડ ફ્લાય ના સંભવિત પ્રજનન સ્થળોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
રાત્રિના જિલ્લા આરોગ્ય કચેરી ખાતે થી મેસેજ આવતાં ની સાથે બાળક ના પરીવાર નો સંપર્ક કરી વ્હેલી સવારે જિલ્લા અને તાલુકા આરોગ્ય વિભાગ ની 8 ટીમો સર્વે કરવા ઉતારી દીધી છે અને ઘરે ઘરે જઈને બિમારી બાબતે તેમજ આસપાસના વિસ્તારમાં સેન્ડ ફ્લાયર માખી ઉત્પાદન જેવી સેનસટીવ જગ્યા એ દવા છંટકાવ કરી લોકો ને જાગૃત કર્યા હતા શાળા બાલવાડી કેન્દ્ર ચેક કરી ત્યાં અભ્યાસ અર્થે આવતા વિધાર્થી અને શિક્ષકો ગ્રામજનો ને માર્ગદર્શન આપી આ વાયરસ ની ગંભીરતા સમજાવી હતી ખાસ કરીને ખેંચ આવતાં બાળક અને જન્મ દિવસ થી 15 વર્ષ ના બાળકો ને તાવ, ઊલ્ટી ખેંચ પેટમાં દુખતું હોય તો નિષ્ણાત તબીબ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નો સંર્પક કરવા માહિતગાર કર્યા હતાં.
