જસદણ તાલુકાના પાંચવડા ગામે રાત્રિના સમયે ખેડૂત પરિવારને ઊંઘતો રાખી તસ્કરોએ મકાનને નિશાન બનાવી બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. કબાટનું તાળું તોડી તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ આંગણામાં પાર્ક કરેલી મોટરસાયકલ મળી કુલ રૂૂ. 1,22,000 ની મત્તા ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ચોરીમાં ચાર શખ્સો સીસીટીવીમાં કેદ થયા હતા.
મળતી વિગતો મુજબ, પાંચવડા ગામે રહેતા અને ખેતીકામ કરતા 63 વર્ષીય કાંતીભાઇ હરીભાઇ ટાઢાણીના મકાન પાછળના ભાગેથી રાત્રિના સમયે ચાર અજાણ્યા ચોર ઇસમોએ ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. ચોરોએ રૂૂમની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશી કબાટનું લોક તોડી નાખ્યું હતું. તિજોરીમાં રાખેલ આશરે 22 ગ્રામ વજનના સોનાના દાગીના કિંમત રૂૂ. 94,500, એક સોનાની નથ કિંમત રૂૂ. 500 અને આશરે 150 ગ્રામ વજનના ચાંદીના દાગીના કિંમત રૂૂ. 12,000 ની ચોરી કરી હતી.
આટલેથી ન અટકતા ચોરોએ ઘરની બહાર પાર્ક કરેલું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ નંબર જીજે 01 યુડી 1134, કિંમત રૂૂ. 15,000 પણ હંકારી ગયા હતા. કુલ રૂૂ. 1,22,000 ના મુદ્દામાલની ચોરી થઇ હતી.આ બનાવ અંગે કાંતીભાઇ ટાઢાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને ઘટનાસ્થળની મુલાકાત લઈ સીસીટીવી ચેક કરતા ચાર અજાણ્યા શખ્સો નજરે પડ્યા હતા. આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. તસ્કરોને ઝડપી પાડવા માટે સ્થાનિક પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
ગોંડલમાં બંધ મકાનમાંથી રૂ.10 હજારની રોકડ અને દસ્તાવેજોની ફાઇલની ચોરી
ગોંડલના આશાપુરા ફાટક પાસે આવેલ રૈયારાજ સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો છે. મળતી વિગતો મુજબ, અહીં રહેતા સંદીપભાઇ ચંદુભાઇ લખલાણીના ઘરે બપોરના સમયે કોઇ અજાણ્યા ઈસમે ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. ચોરે મકાનમાં પ્રવેશી કબાટમાંથી રોકડ રૂૂ. 10,000 તથા અગત્યના ડોક્યુમેન્ટની ફાઇલની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે ફરીયાદીની મકાનમાંથી ચોરી થયાની અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગોંડલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
