રાજકોટના કોઠારિયા, મવડી, વાવડી જેવા વિકસીત વિસ્તારમાં એક મોટી સમસ્યા એ સામે આવી છે કે, અહીં બનેલી ગેટ પેક સોસાયટીના રહેવાસીઓ પ્રાથમિક સુવિધાને લઇને હાથે કરીને ફસાયા હોવાનો અનુભવ કરી રહ્યા છે. ખાસ કરીને ડ્રેનેજની સુવિધા માટે. ગેટ પેક સોસાયટીમાં બિલ્ડરે ડ્રેનેજ લાઇન તો નાંખી છે પણ હાઉસ કનેકશન આપ્યા નથી. હાઉસ કનેકશન આપવાની કામગીરી કરવા મનપા નનૈયો ભણી દે છે. મનપા કહે છે કે, આ પ્રાઇવેટ સોસાયટી હોવાથી અમારી જવાબદારી ન બને. તો સામે બિલ્ડર એમ કહે છે કે, અમે તો સોસાયટી સોંપી દીધી એટલે હવે નૈતિક જવાબદારી કોર્પોરેશનની બને છે. ઉક્ત સમસ્યાને લઇને આજે જનરલ બોર્ડમાં ભાજપના મહિલા નગરસેવક ભારતીબેન પરસાણાએ ઉઠાવેલા મુદ્દાને લઇને અનેક સવાલો ઉભા થયા હતા.
કોઠારિયા, મવડી અને વાવડી જેવા વિસ્તારો મનપામાં ભળ્યા એ પહેલા અહીં અનેક ગેટ પેક સોસાયટીઓ બની ગઇ હતી. એ વખતે બિલ્ડરે પ્લાન પાસ કરાવ્યા હતા. હવે જ્યારે આ વિસ્તાર મનપામાં ભળ્યા અને આવી ગેટ પેક સોસાયટીના આસામીઓ મકાનમાં રહેવા આવ્યા ત્યારે સૌથી મોટી કઠણાઇ એ ભોગવવી પડી રહી છે કે, તેમને ડ્રેનેજ ચેમ્બર સાથે હાઉસ કનેકશન મળતુ નથી. મનપાની એવી પોલીસી છે કે, પ્રાઇવેટ સોસાયટીમાં ડ્રેનેજ અને સફાઇની જવાબદારી બિલ્ડરની બને છે.
બિલ્ડરે સ્કીમ મંજૂર કરાવતી વખતે જ પ્લાનમાં તેનો ઉલ્લેખ કરવામા આવે છે. આજે જનરલ બોર્ડમાં ભાજપના મહિલા નગરસેવક ભારતીબેન પરસાણાએ મુકેલા સવાલમાં તેમણે કહ્યુ હતુ કે, બિલ્ડર હવે જવાબ આપતા નથી. મનપા કચેરીએ અરજદાર જાય તો ત્યાથી પણ એવો જવાબ મળે કે તમારી સોસાયટી ગેટ પેક છે. પ્રાઇવેટ સોસાયટીમાં અમારી જવાબદારી ન બને.
ભૂગર્ભ ગટર ઉભરાય ત્યારે જવાબ અમારે આપવો પડે છે, નગરસેવકોનો સામૂહિક હલ્લાબોલ
ગેટપેક સોસાયટીમાં જવાબદારી જેની હોય તેની, જવાબ અમારે આપવો પડે છે તેવો વ્યાપક આક્રોષ આજે જનરલ બોર્ડમાં નગરસેવકોમાંથી ઠલવાયો હતો. ભાજપના મહિલા કોર્પોરેટર ભારતીબેન પરસાણાએ કહ્યુ હતુ કે, પ્રજાના પ્રતિનિધિ તરીકે લોકો અમારી પાસે આવે છે. અમે આશ્વાસન આપીએ છીએ કે ડ્રેનેજને લગતી તમારી સમસ્યા ઉકેલાઇ જશે. પણ જ્યારે અમારા વોર્ડના અધિકારીને અમે કહીએ છીએ ત્યારે ગેટ પેક ખાનગી સોસાયટી હોવાનું કહીને ના કહી દે છે. અમારે અમારા મતદારોને શું મોઢુ દેખાડવુ?
