ડેન્ટલ કોલેજના કૌભાંડમાં ડીનને આરોપી કેમ ન બનાવ્યા? કોર્ટે પોલીસને ઝાટકી

જામનગરની કોલેજમાં રૂા.1.36 કરોડના ચેક કૌભાંડમાં 15માંથી 13 ચેકમાં ડીનની સહી હોવાનો ઘટસ્ફોટ જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં રોગી કલ્યાણ સમિતિના બેંક ખાતામાંથી થયેલા રૂૂ. 1.36…

જામનગરની કોલેજમાં રૂા.1.36 કરોડના ચેક કૌભાંડમાં 15માંથી 13 ચેકમાં ડીનની સહી હોવાનો ઘટસ્ફોટ

જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં રોગી કલ્યાણ સમિતિના બેંક ખાતામાંથી થયેલા રૂૂ. 1.36 કરોડના બહુચર્ચિત ચેક કૌભાંડ મામલે જામનગર સેશન્સ કોર્ટમાં મોટો ધડાકો થયો છે. આ કેસમાં પકડાયેલા અને જેલવાસ ભોગવી રહેલા આરોપી શોભિત ગર્ગની જામીન અરજી પરની સુનાવણી દરમિયાન તેમના વકીલ આદિત્યદાન ગઢવી દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલોને પગલે કોર્ટે પોલીસની આકરી ઝાટકણી કાઢી હતી. કોર્ટના જજ સાહેબે પોલીસને સીધો જ વેધક સવાલ કરતા પૂછ્યું હતું કે, “કોના ઇન્ફ્લુએન્સથી સાઇનિંગ ઓથોરિટી ધરાવતા કોલેજના ડીનને આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા નથી?” આ સવાલે સમગ્ર તપાસ પ્રક્રિયા પર મોટા પ્રશ્નાર્થ ઊભા કરી દીધા છે. આરોપી માત્ર એક કરાર આધારિત કર્મચારી હોવા છતાં તેને જ કેમ મુખ્ય સૂત્રધાર ચીતરી દેવામાં આવ્યો છે, તે અંગે વકીલ દ્વારા ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

આ કૌભાંડમાં કુલ 15 ચેકો દ્વારા રૂૂ. 1,36,19,350 ની માતબર રકમ અલગ અલગ ખાતામાં જમા કરવામાં આવી હતી. પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે તમામ 15 ચેકના એફએસએલ (FSL) રિપોર્ટ અનુસાર, માત્ર બે જ ચેકમાં સહીની કોપી કરવામાં આવી હોવાની કે ગડબડ હોવાની શંકા છે, જ્યારે બાકીના 13 ચેક પર તો ડીન મેડમની પોતાની જ અસલ સહી છે. તો પછી આ 13 ચેકની માતબર રકમ આરોપી શોભિતના અને અન્ય બેંક એકાઉન્ટમાં કેવી રીતે જમા થઈ? બચાવ પક્ષની દલીલ મુજબ, રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી જ્યારે પાંચ લાખથી વધુ રકમનો ચેક ક્લિયર કરવાનો હોય ત્યારે બેંકમાં ’પોઝિટિવ પે સિસ્ટમ’ (P.P.S.) નું ફોર્મ ફરજિયાત ભરવું પડે છે, અને તેમાં પણ ડીનની સહી આવશ્યક હોય છે. ડીનની જાણ બહાર કે તેમની સહી વિના આવા કોઈ મોટા નાણાકીય વ્યવહારો બેંક દ્વારા મંજૂર થઈ જ ન શકે. આ હકીકતો દર્શાવે છે કે ઉચ્ચ અધિકારીઓની સંડોવણી વિના આટલું મોટું કૌભાંડ શક્ય નથી.

આમ, ઉપરોક્ત તમામ પુરાવાઓ અને દલીલો જોતાં એ સ્પષ્ટ થાય છે કે તપાસ એજન્સી દ્વારા માત્ર એક નાના કરાર આધારિત કર્મચારીને નિશાન બનાવીને કેસની ફાઇલો બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવી શંકા છે. વકીલ દ્વારા સ્પષ્ટ કરાયું છે કે આ કેસ સંપૂર્ણપણે દસ્તાવેજી પુરાવાઓ, બેંકના રેકોર્ડ્સ અને આર.ટી.જી.એસ. ફોર્મ પર આધારિત છે. તેમાં ડીનની સત્તાવાર મંજૂરી અને સહીઓ વિના કોઈ પ્રક્રિયા થઈ શકતી નથી. સેશન્સ કોર્ટમાં થયેલા આ મોટા ઘટસ્ફોટ અને જજ સાહેબના આકરા વલણ બાદ હવે પોલીસ તપાસ કઈ દિશામાં વળાંક લે છે તે જોવું રસપ્રદ બની રહેશે. આગામી તારીખ 21 ના રોજ યોજાનારી સુનાવણીમાં આ સમગ્ર કૌભાંડ મામલે વધુ મોટા કડાકા અને ભડાકા થવાના સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે.

કૌભાંડનો દોષ પોતાના માથે લઈ લેવા ડીન દ્વારા દબાણ કરવામાં આવ્યું
આ ગુનો નોંધાયા અને ધરપકડ થાય તે પહેલાં જ, આરોપી શોભિત ગર્ગે તારીખ 17 મે 2026ના રોજ જામનગરના જિલ્લા પોલીસ અધિક્ષક (જઙ)ને એક લેખિત અરજી આપીને રક્ષણ માંગ્યું હતું. આ અરજીમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, પોતે માત્ર આસિસ્ટન્ટ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ બજાવતો હતો અને ડીન દ્વારા આપવામાં આવેલા ચેકો અને આદેશો મુજબ જ તેણે બેંકમાં રકમ જમા કરાવી હતી. વધુમાં, આરોપીએ એવો પણ સનસનીખેજ આક્ષેપ કર્યો હતો કે ડીન દ્વારા તેને બોલાવીને આ સમગ્ર કૌભાંડનો દોષ પોતાના માથે લઈ લેવા દબાણ કરવામાં આવ્યું હતું અને જો તે ના પાડે તો પોલીસને સોંપી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ તમામ વિગતો વકીલ આદિત્યદાન ગઢવી દ્વારા સેશન્સ કોર્ટ સમક્ષ મૂકવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *