ચાંદીપુરાના ખતરા સામે મહાપાલિકા-તબીબી જગત એલર્ટ

  ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસનો પગપેસારો વધી રહ્યો હોવાથી સરકારે એલર્ટ રહેવા તમામ જિલ્લા- મહાનગરોમાં સુચના આપી હોય રાજકોટ મહાનગરપાલિકા પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે…

 

ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસનો પગપેસારો વધી રહ્યો હોવાથી સરકારે એલર્ટ રહેવા તમામ જિલ્લા- મહાનગરોમાં સુચના આપી હોય રાજકોટ મહાનગરપાલિકા પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે અને ગઈકાલે તબીબોની બેઠક યોજી ચાંદીપુરા વાઈરસના સંભવિત ખતરા સામે આગોતરુ આયોજન શરુ કર્યું છે.

રાજકોટ મહાનગરપાલિકા અને ઈન્ડીયન મેડીકલ એસોસિએશન, ઈન્ડિયન એકેડેમી ઓફ પીડીયાટ્રીક અને ફીઝીશીયન એસોસિએશન રાજકોટ અને પી.ડી.યુ. મેડીકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે ચાંદીપુરા વાયરસ (CHPV)ની અટકાયત, જનજાગૃતિ અને બાળકોમાં એક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રોમ (AES)ના સમયસર નિદાન અને સારવાર અંગે પૂજ્ય પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ ખાતે સતત તબીબી શિક્ષણ (CME) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં આરોગ્ય શાખા. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી, નાયબ આરોગ્ય અધિકારીઓ, મેડીકલ ઓફિસરો સાથે રાજકોટ શહેરના બાળરોગ નિષ્ણાત તબીબોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને CHPV અંગેની તાજેતરની માર્ગદર્શિકા તથા નિવારક પગલાં અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

કાર્યક્રમ દરમિયાન PDU મેડિકલ કોલેજ તરફથી ડો.મનાલી વીરપરિયા, ડો. મધુલિકા મિસ્ત્રી, તથા ડો. ભાવેશ કાનાબાર દ્વારા ચાંદીપુરા વાયરસ અંગે જનજાગૃતિ, રોગની વહેલી ઓળખ, સમયસર રિફરલ, અસરકારક સર્વેલન્સ તેમજ સમુદાય સ્તરે અપનાવવાના નિવારક પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

કાર્યક્રમમાં તમામ મહાનુભાવોએ ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય વિભાગ અને ખાનગી બાળરોગ નિષ્ણાતો વચ્ચેના સંકલનને વધુ મજબૂત બનાવવાની જરૂૂરિયાત પર ભાર મૂક્યો. કાર્યક્રમના અંતે તમામ તબીબોને CHPV અંગે શંકાસ્પદ કેસોની તાત્કાલિક જાણ, સમયસર સારવાર, જનજાગૃતિ અને અસરકારક સર્વેલન્સમાં સક્રિય સહભાગી બનવા ડો. જયેશ વકાણી, આરોગ્ય અધિકારી, દ્વારા અપીલ કરવામાં આવી.

જામનગરમાં ચાંદીપુરા વાઇરસના બે શંકાસ્પદ કેસ નોંધાતા દોડધામ
જામનગરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ બે બાળ દર્દીઓ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. શહેરના વોર્ડ નાં -6 ના ગણપતનગર વિસ્તારના એક વર્ષના બાળક તેમજ ઢીંચડા રોડ પર રવિ પાર્ક વિસ્તારના અન્ય એક બાળકને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંને બાળકોને તાવ, આંચકી સહિતના ગંભીર લક્ષણો જણાતા તેમને હોસ્પિટલના આઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ડોક્ટરોએ બંને બાળકોના સેમ્પલ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ શકશે. બંને શંકાસ્પદ કેસ સામે આવ્યા બાદ હોસ્પિટલ તંત્ર, મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગે સંકલિત કામગીરી શરૂૂ કરી છે. દર્દીઓના રહેણાંક વિસ્તારોમાં સર્વેલન્સ, સફાઈ અને જરૂૂરી આરોગ્યલક્ષી પગલાં લેવામાં આવી રહ્યા છે. આરોગ્ય અધિકારીઓએ વાલીઓને અપીલ કરી છે કે બાળકોને તાવ, સતત ઉલટી, આંચકી અથવા બેભાન થવા જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલમાં લઈ જવું. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં બાળકોની સ્વચ્છતા જાળવવી, મચ્છરો અને અન્ય જીવાતોથી બચાવના પગલાં લેવા તેમજ ઘરની આસપાસ સ્વચ્છતા રાખવી જરૂૂરી છે. હાલ બંને બાળકોની સારવાર ચાલુ છે અને તેમના લેબોરેટરી રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *