જામનગરમાં અપશબ્દો બોલવાની માથાકૂટમાં ક્ષત્રિય યુવાનની હત્યા

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં ગાળો બોલવાની શંકાને લઈને થયેલા ઝઘડામાં એક ક્ષત્રિય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદના આધારે પોલીસે પાંચ આરોપીઓ સામે…

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં ગાળો બોલવાની શંકાને લઈને થયેલા ઝઘડામાં એક ક્ષત્રિય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદના આધારે પોલીસે પાંચ આરોપીઓ સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂૂ કરી છે.

ફરિયાદી બાબુ ઉર્ફે રણજીતસિંહ જશાજી જેઠવા (ઉં.વ. 30), રહે. ગોકુલનગર, શેરી નં. 11, જામનગરે નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 17 જુલાઈની રાત્રે તેમના ઘરની બાજુના ખુલ્લા પ્લોટમાં કેટલાક લોકો ગાળો બોલતા હતા. તે બાબતે સોનુબા ગુમાનસિંહ જાડેજાને શંકા જતાં તેઓ ફરિયાદીના ઘરે આવી તેમના ભાઈઓ અંગે પૂછપરછ કરવા લાગ્યા હતા. આ દરમિયાન ગુમાનસિંહ જાડેજા, પ્રદીપસિંહ ગુમાનસિંહ જાડેજા, જયલો રાઠોડ, દિવ્યરાજસિંહ વાધેલા, જોષનાબા તથા તેમના પતિ ત્યાં આવી પહોંચ્યા હતા.

ફરિયાદ મુજબ પ્રદીપસિંહ ગુમાનસિંહ જાડેજા પાસે છરી અને જયલો રાઠોડ પાસે લાકડાનો ધોકો હતો. થોડા સમય બાદ બહારથી બૂમો પડતા ફરિયાદી બહાર નીકળ્યા ત્યારે તેમના ભાઈ પ્રદીપસિંહ જેઠવા ઘરની બહાર લોહીલુહાણ હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. આરોપી પ્રદીપસિંહે છરીના ઘા મારતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. સાથે જ અન્ય આરોપીઓએ ફરિયાદીના બીજા ભાઈ મયુરસિંહને પણ ઢીકા-પાટુનો માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ઇજાગ્રસ્ત પ્રદીપસિંહને તાત્કાલિક જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા, અને બનાવ હત્યા માં પલટયો હતો. આ બનાવ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે હત્યા, મારામારી, ગેરકાયદેસર મંડળી રચવા તથા જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પરિણીતાને જૂનાગઢમાં સાસરિયાઓનો ત્રાસ
જામનગરમાં રહેતી એક પરિણીતાએ જૂનાગઢમાં રહેતા પોતાના પતિ, સાસુ અને સસરા સામે લગ્નજીવન દરમિયાન શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવો, મારપીટ કરવી અને દહેજની માંગણી કરવાના આક્ષેપો સાથે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મીનાઝબેન તુફેલશાહ શાહમદારે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના નિકાહ તા. 14 ફેબ્રુઆરી, 2021ના રોજ જુનાગઢ નિવાસી તુફેલશાહ મુનીરશાહ શાહમદાર સાથે મુસ્લિમ શરિયત મુજબ થયા હતા. લગ્નના અંદાજે છ મહિના બાદથી પતિ દ્વારા નાની-નાની બાબતોમાં ઝઘડા કરી ગાળો આપવી, મારપીટ કરવી અને પત્ની તરીકે સ્વીકાર ન કરવાની વાતો કહી શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.

ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સસરા પણ ઝઘડા કરી અપશબ્દો બોલતા હતા, જ્યારે સાસુ પતિને ફરિયાદી વિરુદ્ધ ચડામણી કરતા હતા તેમજ ઘરકામના મુદ્દે ઝઘડા કરી પિયર તરફથી વોશિંગ મશીન અને ટીવી લાવવાની માંગણી કરતા હતા. પિયરની આર્થિક સ્થિતિ નબળી હોવાથી ફરિયાદી માંગણી પૂરી કરી શક્યા ન હોવાનું પણ જણાવાયું છે. ફરિયાદમાં સાસુએ પોતાના સોનાના દાગીના વેચી નાખ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. અગાઉ મહિલા પોલીસ મથક અને પોલીસ અધિક્ષકને અરજી કરવામાં આવી હતી, પરંતુ સમાધાન ન થતાં આખરે કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *