જેતપુરમાં બે સગા ભાઇ અને માતા ઉપર પુત્રવધૂ સહિત બેનો હુમલો

  જેતપુર ધોરાજી રોડ પર આવેલા ચામુંડા નગરમાં કૌટુંબિક ઝઘડામાં પત્ની અને પુત્રએ પિતા પર લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો…

 

જેતપુર ધોરાજી રોડ પર આવેલા ચામુંડા નગરમાં કૌટુંબિક ઝઘડામાં પત્ની અને પુત્રએ પિતા પર લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો આ હુમલામાં પિતાને બચાવવા વચ્ચે પડેલા તેમના સગા ભાઈ અને વૃદ્ધ માતાને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટના અંગે જેતપુર સીટી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, ફરિયાદી ટીમીનભાઈ માવજીભાઈ સોલંકી (ઉં.વ. 35, ધંધો મજૂરી) ના મોટાભાઈ અશોકભાઈ સોલંકીને તેમની પત્ની જોશનાબેન અને પુત્ર રાહુલ સાથે કામધંધો ન કરવા બાબતે લાંબા સમયથી સામાન્ય ઝઘડો ચાલતો હતો. આ ઝઘડાના કારણે પત્ની અને પુત્રએ અશોકભાઈને ઘરમાંથી કાઢી મૂકતા, તેઓ પોતાના ભાઈ ટીમીનભાઈના ઘરે આશરો લેવા ગયા હતા અને ત્યાં જમવા બેઠા હતા. આ દરમિયાન ઉશ્કેરાયેલા આરોપી રાહુલ અશોકભાઈ સોલંકી અને તેની માતા જોશનાબેન ફરિયાદીના ઘરે ધસી આવ્યા હતા. રાહુલે પિતાને ’તું કોઈ કામધંધો કરતો નથી અને અહીં આવી ગયો છે’ તેમ કહી ગાળો આપી ડેલી પાસે પડેલો લોખંડનો પાઇપ ઉપાડી અશોકભાઈના મોઢા પર ઝીંકી દીધો હતો. આ હુમલામાં અશોકભાઈને મોઢા, નાક અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.

આ મારમારી જોઈને ટીમીનભાઈ તથા તેમની માતા જયાબેન વચ્ચે છોડાવવા પડ્યા હતા. પરંતુ ઉશ્કેરાયેલા રાહુલે ટીમીનભાઈના માથા અને ડાબા પગના ઘૂંટણમાં પાઇપ મારી દીધો હતો, જેના કારણે તેમને માથામાં ઈજા થઇ હતી, એટલું જ નહીં, રાહુલે જયાબેન ઉપર પણ હુમલો કરી તેમને ઘાયલ કર્યા હતા, જોશનાબેને પણ ઓસરીમાંથી લાકડાનો ધોકો લઈ અશોકભાઈને આડેધડ માર માર્યો હતો. બનાવને પગલે આજુબાજુના લોકો એકઠા થઈ જતાં બંને આરોપીઓ હથિયારો ફળિયામાં ફેંકીને નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્તોને તુરંત જ 108 એમ્બ્યુલન્સ મારફતે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેતપુર સીટી પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *