જામનગરના વીજ ધાંધિયાથી ગ્રાહકો લાલઘૂમ: ફરી પીજીવીસીએલ કચેરીએ હોબાળો

જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠાની અનિયમિતતાએ માઝા મૂકી છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને ખાસ કરીને નાના ઉદ્યોગકારોની હાલત કફોડી બની…

જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠાની અનિયમિતતાએ માઝા મૂકી છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને ખાસ કરીને નાના ઉદ્યોગકારોની હાલત કફોડી બની ગઈ છે. ગોકુલનગરની સાયોના શેરી તરીકે ઓળખાતા વિસ્તારમાં અનેક નાના-મોટા કારખાનાઓ આવેલા છે, જે આ વિસ્તારની આર્થિક કરોડરજ્જુ સમાન છે.

પરંતુ તાજેતરમાં વારંવાર અચાનક બબ્બેથી ત્રણ-ત્રણ કલાક સુધી વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા રોજિંદી બની જતાં વેપારીઓ અને કારખાનેદારો લાલઘૂમ થયા છે. પાવર કટના કારણે ઉત્પાદન અટકી પડવાથી ઉદ્યોગકારોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
વીજ તંત્રની આ ઘોર બેદરકારી અને અંધેર વહીવટથી ત્રસ્ત થઈને આખરે સ્થાનિક રહીશો તેમજ ઉદ્યોગકારોના ધીરજનો અંત આવ્યો હતો અને રોષે ભરાયેલા લોકોએ આજે સ્થાનિક પીજીવીસીએલ કચેરીએ ધસી જઈને ભારે હોબાળો મચાવ્યો હતો.

દેખાવકારોએ તંત્રની કામગીરી સામે ઉગ્ર આક્રોશ ઠાલવતા આક્ષેપ કર્યો હતો કે, પાવર કટ સમયે જ્યારે પણ કચેરીમાં ફરિયાદ નોંધાવવા માટે સંપર્ક કરવામાં આવે છે, ત્યારે જવાબદાર અધિકારીઓ ફોન ઉપાડવાની પણ તસ્દી લેતા નથી. પ્રજાના પ્રશ્નો પ્રત્યે તંત્રના આ હદે ઉદાસીન અને બેજવાબદાર વલણને સખત શબ્દોમાં વખોડી કાઢતાં સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, જો સત્વરે આ વિસ્તારનો વીજ પુરવઠો નિયમિત કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે, જેમાંથી ઉદભવનારી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સંપૂર્ણ જવાબદારી વીજ કંપનીના સત્તાધીશોની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *